પોલિસ બેડામાં ફફડાટ ફેલાયો:સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અંત્રોલી ગામની સીમમાં કાર્ટિંગ થઈ રહેલા 24.45 લાખ રૂપિયાના વિદેશી દારૂ ભરેલી ટ્રક અને પાંચ કાર સાથે એકને ઝડપી પાડ્યો હતો
બારડોલી: ગત 11મી મેના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પલસાણા તાલુકાના કડોદરા પોલીસ મથક વિસ્તારમાં આવેલા અંત્રોલી ગામની સીમમાં કાર્ટિંગ થઈ રહેલા 24.45 લાખ રૂપિયાના વિદેશી દારૂ ભરેલી ટ્રક અને પાંચ કાર સાથે એકને ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં કડોદરા પીઆઇ એ.પી.બ્રહ્મભટ્ટને રાજ્ય પોલીસ વડાએ સસપેન્ડ કરતા ભારે ચકચાર મચી ગઇ છે
ગત 11મી મેના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સુરત જિલ્લામાં પેટ્રોલીંગમાં હતી તે સમયે બાતમી મળી હતી સોહન ઉર્ફે સન્ની કિશોર પટેલ (રહે વાંકાનેડા, તા. પલસાણા, સુરત) મહારાષ્ટ્રના નવાપુર ખાતે રહેતા વિશ્વાસ ભીમરાવ ગડરી તેમજ તેનો ભાઈ ગોરખ રૂફે પિન્ટુ ભીમરાવ ગડરી પાસેથી ગેરકાયદેસર રીતે મોટા જથ્થામાં દારૂનો જથ્થો ટ્રકમાં ભરી કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અંત્રોલી ગામની સીમમાં દારૂનું કાર્ટિંગ કરી રહ્યો છે. અને આ દારૂનો જથ્થો કેયૂર રોહિત ભંડારી (રહે. બારડોલી), બદરી જાટ ઉર્ફ બદરી મારવાડી, સંજય ઉર્ફે ગપો કાંતિલાલ પટેલ (રહે ચલથાણ), મનીષ મારવાડી (રહે જોળવા)ને મોટા પ્રમાણમાં ગેરકાયદે જથ્થો વેચાણ અર્થે પૂરો પાડી દારૂની હેરફેરી જુદા જુદા વાહનોમાં કરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે કાર્ટિંગ વાળી જગ્યા એ છાપો મારતા દારૂ લેવા માટે આવેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. એક ઇનોવા કારનો ચાલક સ્થળ પરથી કાર લઈને ફરાર થઈ ગયો હતો. તો કેટલાક શખ્સો તેમના વાહનો સ્થળ પર જ મૂકી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી ટ્રક ચાલક સંતોષ રઘુનાથ પિરા પવાર (રહે નવું ફળિયું, વિસરવાડી, જી. નંદુરબાર, મહારાષ્ટ્ર)ને પકડી લીધો હતો. પૂછપરછમાં સંતોષે જણાવ્યુ હતું કે તે છેલ્લા બે મહિનાથી નવાપુરના પિન્ટુ ભીમરાવ ગડરી તથા તેના ભાઈ વિશ્વાસ ભીમરાવ ગડરીના દારૂના ધંધાએએમ ડ્રાઇવરની નોકરી કરે છે અને તેને ગુજરાતમાં દારૂ ભરેલી ટ્રક લઈ ને આવતો હતો. પોલીસે સ્થળ પરથી 17961 બોટલ વિદેશી દારૂ કિમત રૂ 24 લાખ 45 હજાર 360, રોકડા રૂ. 5700, ટ્રક કિમત રૂ. 20 લાખ, પાંચ કાર કિમત રૂ. 18.50 લાખ, ત્રણ મોબાઇલ ફોન કિમત રૂ. 1500, તાડપત્રી અને રસ્સી કિમત રૂ 2 હજાર મળી કુલ 63 લાખ 4 હજાર 560 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ ગુનામાં દારૂનો જથ્થો પૂરો પાડનાર વિશ્વાસ ભીમરાવ ગડરી તેનો ભાઈ ગોરખ ઉર્ફે પિન્ટુ ભીમરાવ ગડરી, જથ્થો મંગાવનાર સોહન ઉર્ફે સન્ની કિશોર પટેલ (રહે વાંકાનેડા, ચલથાણ), સોહન પાસેથી દારૂ લેવા આવનાર કેયૂર ભંડારી (રહે બારડોલી, બદરી જાટ ઉર્ફે બદરી મારવાડી, સંજય ઉર્ફે ગપો પટેલ, મનીષ મારવાડી, સુરેશ સહિત 14 જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા.
આ કાર્યવાહી બાદ રાજ્ય પોલીસ વડાએ પ્રોહીબિશનની પ્રવૃત્તિ અટકાવામાં નિષ્ફળ રહેલા કડોદરા પી.આઈ. આનંદ બ્રહ્મભટ્ટને સસ્પેન્ડ કરી દેતા પોલિસ બેડામાં ફફડાટ ફેલાય ગયો હતો.