સ્પર્ધાત્મક પરીક્ષા માટે જે – જે ચેપ્ટર મહત્વના છે તે નીકળી નહિ જાય : તાજેતરમાં CBSE બોર્ડે પણ અભ્યાસક્રમ ઘટાડવા નિર્ણય લીધો’તો
અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસએચએસઇબી)ના ધોરણ ૧૦ અને ૧૨ વિદ્યાર્થીઓને આ વર્ષે પણ પાઠયક્રમમાં ઘટાડો મળી શકે છે. રાજ્યનું શિક્ષણ બોર્ડ કોરોના મહામારીના કારણે ધોરણ ૧૦ના નવ લાખ અને ૧૨માં ધોરણના ૭ લાખ વિદ્યાર્થીઓનો પાઠયક્રમ ૩૦ ટકા ઘટાડવા વિચારી રહ્યું હોવાનું માહિતગાર સૂત્રોએ કહ્યું હતું. સૂત્રો અનુસાર આ નિર્ણય સીબીએસઇ દ્વારા ગયા મહિને ૩૦ ટકા સીલેબસ ઘટાડવાના નિર્ણયના આધારે લેવાશે. જીએસએચએસઇબી એ આના માટે એક કમિટિ નીમી છે અને તેના સૂચનો રાજ્યના શિક્ષણ વિભાગને રજૂ કર્યા છે. એક અધિકારીએ કહ્યું કે કમિટિ વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને પાઠયક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો સૂચવશે.
પાઠયક્રમમાં ઘટાડો ફકત ૨૦૨૧-૨૨ના શૈક્ષણિક વર્ષ માટે જ રહેશે. જીએસએચએસઇબીની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષામાં પાઠયક્રમમાંથી કાઢી નખાયેલ ચેપ્ટરમાંથી પ્રશ્નો નહીં પૂછાય તો કમિટી એ પણ ધ્યાન રાખશે કે સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે અગત્યના ચેપ્ટરો દૂર નહીં કરાય. સતત બીજા વર્ષે પાઠયક્રમમાં ઘટાડો કર્યા પછી જીએસએચએસઇબી દરેક સ્કૂલોને ધોરણ ૧૦ અને ૧૨ ટર્મ વાઇઝ સીલેબસ જાહેર કરશે.