ગુજરાત એલર્ટ । વલસાડ
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વલસાડ શહેરમાં રિવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેકટર સ્કીમ (RDSS) અંતર્ગત કામગીરીનો શુભારંભ સમારોહ રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડ શહેરના તિથલ રોડ પર ડીડીઓ બંગલાની બાજુમાં યોજાયો હતો. એલ એન્ડ ટી કંપની દ્વારા પ્રારંભ થયેલી આ કામગીરીથી વલસાડ શહેરના નાગરિકો અને દ.ગુ.વીજ કંપનીના ગ્રાહકોને વધુ સારી સુવિધા મળી રહે તે માટે કંપની તરફથી રૂ. ૨૫.૯૮ કરોડના ખર્ચે ૧૩૫ કિ.મી અંડર ગ્રાઉન્ડ કેબલ, રૂ. ૦.૬૫ કરોડના ખર્ચે ૧ ફીડરનું વિભાજન તેમજ ૩ રિંગ મેન યુનિટ (RMU) નાંખવા રૂ. ૦.૬૯ કરોડના ખર્ચે ૫૭ કિમી એલ.ટી. એબીસી કંડન્કટર નાંખવાની કામગીરી પહેલા તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. જેનાથી વીજ લાઈનની મરામત કે ફોલ્ટ સમયે થતા વીજ વિક્ષેપનો સમય નોંધપાત્ર રીતે ઘટવાથી ગ્રાહકોને અવિરત વીજ પુરવઠો મળી શકશે.
વલસાડ શહેરમાં RDSS કામગીરીના શુભારંભ પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ દેશના ૧૮ હજાર ગામડામાં લાઈટ ન હતી. પરંતુ નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા બાદ જયોતિગ્રામ યોજનાથી તમામ ગામડાને રોશનીથી ઝગમગતા કર્યા. હાલમાં આરડીએસએસ યોજનાનો શુભારંભ થયો છે તે યોજનાનો મુખ્ય હેતુ વીજળીનો બચાવ અને વીજ ચોરી અટકાવવાનો છે. આ સ્કીમ હેઠળ દક્ષિણ ગુજરાત માટે રૂ. ૧૪૧૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં વલસાડ જિલ્લા માટે રૂ. ૩૨૪ કરોડ ફાળવવામાં આવ્યા છે. વલસાડ શહેરના વિકાસની વાતો કરતા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વલસાડમાં ઔરંગા નદીના કાંઠે રિવરફ્રન્ટ બને તે પહેલા બંને બાજુ પાળા બનાવવામાં આવનાર છે. જે કામગીરી આગામી ચોમાસા પહેલા પૂર્ણ કરવાની છે. વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીને બિરદાવતા મંત્રીશ્રીએ કહ્યું કે, વાવાઝોડા દરમિયાન વીજ પોલ તુટી જવાના કારણે તેમજ ટ્રાન્સફોર્મર ફૂંકાય જવાના કારણે વીજ પુરવઠો ખોટકાતો હોય છે પરંતુ તેવા સમયે પણ વીજ કંપનીની ટીમ સતત દિવસ રાત કામ કરી વીજ પુરવઠો કાર્યરત કરે છે. ખાસ કરીને દ.ગુ.વીજ કંપનીમાં વીજ લોસ ફક્ત ૫ ટકા છે, આ સિવાય વિજળીનો બગાડ ઓછો થાય છે, વીજ ચોરી પણ ઓછી થઈ રહી છે. વલસાડ જિલ્લામાં જે પણ વિકાસના કામો થઈ રહ્યા છે તેમાં જિલ્લા વહીવટી તંત્રનો ખૂબ જ સહકાર હોવાથી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે અભિનંદનને પાત્ર છે. મંત્રીશ્રીએ દેશનું અર્થતંત્ર ૧૦માં ક્રમ પરથી ઈંગ્લેન્ડને પણ પાછળ છોડી પાંચમા ક્રમે આવ્યુ હોવાનું ગર્વભેર જણાવી વધુમાં કહ્યુ કે, વર્ષ ૨૦૨૭ સુધીમાં ભારતનું અર્થતંત્ર ત્રીજા ક્રમે આવે તે માટે પ્રયાસ થઈ રહ્યા છે. વધુમાં તેમણે વડાપ્રધાનશ્રીએ મારી માટી, મારો દેશ અભિયાન થકી જે દેશ ભાવના લોકોમાં જગાડી છે તેમાં સૌને ભાગ લેવા જણાવી નવરાત્રિ, દિવાળી અને નવુ વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
આ પ્રસંગે વલસાડ ડાંગના સંસદ સભ્ય ડો.કે.સી.પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આ સમારોહમાં જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકી, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, જિલ્લા સંગઠન મંત્રી કમલેશ પટેલ, શિલ્પેશ દેસાઈ, વલસાડ શહેર સંગઠન પ્રમુખ કંદર્પ દેસાઈ, વીજ કંપનીની સુરત કોર્પોરેટ કચેરીના એડિશનલ ચીફ એન્જીનિયર એન.જી.પટેલ અને અધિકારી-કર્મચારીઓ સહિત શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચન વીજ કંપનીની સુરત કોર્પોરેટ કચેરીના મુખ્ય ઈજનેર એચ. આર. શાહે કર્યું હતું. જ્યારે આભારવિધિ વીજ કંપનીના વલસાડ સર્કલના અધિક્ષક ઈજનેર પી.જી.પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વઘઇ વીજ કંપની કચેરીના નાયબ ઈજનેર એ.કે.પટેલે કર્યું હતું.