ગુજરાત એલર્ટ । વલસાડ
તા. ૩૧ મી ડીસેમ્બર રાજ્યના નાણા ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વલસાડ કલેક્ટર કચેરીના સભાખંડમાં નિર્માણ ગુજરાત ૨.૦ અંતર્ગત વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
મંત્રીશ્રીએ નિર્માણ ગુજરાત ૨.૦ મિશન સંદર્ભે જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આગામી એક વર્ષમાં ગુજરાતના તમામ ગામડાઓમાં સ્વચ્છતા સંદર્ભે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ સાથે સમાંતર નિર્મળ ગુજરાત ૨.૦ મિશન સ્વચ્છ પરિવાર- સમાજ – રાજ્ય નો મંત્ર સાકાર કરવાનું અભિયાન આદર્યું છે.
મંત્રીશ્રીએ વલસાડ જિલ્લામાં પ્રધાનમંત્રીશ્રીના સ્વચ્છ ભારત મિશન દ્વારા તારીખ ૧૫ મી સપ્ટેમ્બર થી ૧૫ મી ડિસેમ્બર ૨૦૨૩ સુધી રાજ્ય વ્યાપી સ્વચ્છતા અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લામાં થયેલ કામગીરીની સરાહના કરી હતી. અને નિર્મળ ગુજરાત ૨.૦ મિશનમાં હજુ વધારે સારી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત નગરપાલિકા વિસ્તારમાં કચરાનું ડોર ટુ ડોર કલેક્શન કરી ઘન કચરાનું યોગ્ય વ્યવસ્થાપન માટે ડમ્પિંગ સાઈટ બનાવવા પર ભાર મૂક્યો હતો. વાપી નગરપાલિકા ખાતે કાર્યરત ડમ્પિંગ સાઈટનો ઉલ્લેખ કરી આ જ પ્રમાણેની ડમ્પિંગ સાઈટ તમામ નગરપાલિકાઓમાં બનાવવા તાકીદ કરી હતી વલસાડ અને વાપી નગરપાલિકા ખાતે એસટીપી પ્લાન્ટ કાર્યરત છે એમ જણાવી જિલ્લાની પારડી ઉંમરગામ અને ધરમપુર નગરપાલિકામાં એસટીપી પ્લાન્ટ આગામી ચોમાસા પહેલા કાર્યરત કરવાની સુચના આપી હતી. નગરપાલિકાના વિસ્તારમાં વિઝિબલ ગાર્બેજ વરનેબલ પોઇન્ટ ક્લિયર કરવા માટે મંત્રીશ્રીએ જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. વધુમાં મંત્રીશ્રીએ નગરપાલિકાના ચીફ ઓફિસરોને 120 માઇક્રોનથી ઓછી પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરવા માટે ગ્રાહકોને જાગૃત કરવા અને વેપારીઓ દ્વારા તેનું વેચાણ ન થાય તેનું મોનીટરીંગ કરવા માટે જણાવ્યું હતું આ ઉપરાંત હાઈવે ઉપર રસ્તાની બંને બાજુઓ પર જે લોકો કચરો ઠાલવે છે તેના નિયંત્રણ માટે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને સાથે મળી આ રીતે જે વ્યકિતઓ કચરો ઠાલવી પ્રદૂષણ કરી રહ્યા છે તેમને પકડી જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લામાં મ્યુઝિયમ, હેરિટેજ બિલ્ડીંગ, પ્રવાસન સ્થળો, બસ સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ,રેલ્વે સ્ટેશન, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, પંચાયત ઘરો, પી.એચ. સી.,સી. એચ. સી.પીવાના પાણીના ઓવરહેડ ટાંકા, ફિલ્ટરેશન પ્લાન્ટની સાફ-સફાઈ , કચેરીના રેકર્ડ વર્ગીકરણની સાફ-સફાઈ કરવામાં આવી જેમાં લોકભાગીદારી દ્વારા વિવિધ સ્થળોની સાફ-સફાઈ કરી ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો જેની વિગત જોઈએ વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૯૬.૫ ટન તથા નગરપાલિકા વિસ્તારમાંથી કુલ ૧૨૧૪ ટન ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
બેઠકમાં જિલ્લા કલેટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, નિવાસી અધિક કલેક્ટર અનસુયા ઝા, જિલ્લા ગ્રામવિકાસ એજન્સી ના નિયામક એ. કે. કલસરિયા, નાયબ કલેકટર ઉમેષ શાહ,નાયબ પોલીસ અધિક્ષક એ. કે. વર્મા,વલસાડ, પારડી અને ધરમપુરના પ્રાંત અધિકારીઓ સર્વશ્રી આસ્થા સોલંકી, અંકિત ગોહિલ અને અમિત ચૌધરી, જી. પી. સી. બી.ના અધિકારી એ. કે. પટેલ તેમજ તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસરો ઉપસ્થિત રહયા હતાં.
રાજ્યના નાણાં ઊર્જા અને અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ “નિર્મળ ગુજરાત ૨.૦” અંતર્ગત વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી
