41મી ગુજરાત બોડીબિલ્ડિંગ અને ફિટનેસ ચેમ્પિયનશિપ”માં આખા રાજ્યમાથી 250 સ્પર્ધકોએ ભાગ લીધો: સિનયર બોડી બિલ્ડીંગમાં વડોદરાના દિપક માલાણી અને સિનયર ક્લાસિક બોડીબિલ્ડિંગમાં વલસાડના વિકી પટેલ ચેમ્પિયન
ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત સ્ટેટ બોડીબિલ્ડર્સ એસોસિએશનના ઉપક્રમે વલસાડમાં યોજાયેલી મિ. ગુજરાત 2023 “41મી ગુજરાત બોડીબિલ્ડિંગ અને ફિટનેસ ચેમ્પિયનશિપ”માં સિનયર બોડી બિલ્ડીંગમાં વડોદરાના દિપક માલાણી ચેમ્પિયન બન્યાં હતાં. જ્યારે સિનયર ક્લાસિક બોડીબિલ્ડિંગમાં વલસાડના વિકી પટેલે મેદાન માર્યુ હતું.
છેલ્લા 4 દાયકાથી ચાલી રહેલી પ્રતિષ્ઠિત ગુજરાત બોડીબિલ્ડિંગ અને ફિટનેસ ચેમ્પિયનશિપનું પ્રથમવાર દક્ષિણ ગુજરાતમા આયોજન કરવામા આવ્યું હતું.
તા. 4 માર્ચ 2023 ના રોજ વલસાડના રાજપૂત સમાજ સેવા સંધ હોલમાં યોજાયેલી આ ચેમ્પિયનશિપને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા. એમડી ફિટનેસ વલસાડ દ્વારા પ્રાયોજિત મિ. ગુજરાત 2023 “41મી ગુજરાત બોડીબિલ્ડિંગ અને ફિટનેસ ચેમ્પિયનશિપ”માં આખા રાજ્યમાથી 250 જેટલા સ્પર્ધકોએ સિનિયર, જુનિયર, માસ્ટર્સ અને વિકલાંગ બૉડીબિલ્ડિંગ, સિનિયર અને જુનિયર ફિઝિક, સિનિયર અને જુનિયર ક્લાસિક બૉડીબિલ્ડિંગ તથા ફિમેલ ફિઝિક જેવા જુદા જુદા ડિવિઝન્સમા ભાગ લીધો હતો. ચેમ્પિયનશિપના ઇતિહાસમાં 250 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હોય તેવો આ પ્રથમ કિસ્સો હતો.
આ ચેમ્પિયનશીપમાં સિનયર બોડી બિલ્ડીંગમાં વડોદરાના દિપક માલાણી, સિનયર ફિઝિકમાં વલસાડના હિતેશ પટેલ, સિનયર ક્લાસિક બોડીબિલ્ડિંગમાં વલસાડના એમડી જીમના ટ્રેઈનર વિકી પટેલ, જુનિયર બોડી બિલ્ડીંગમાં બરોડાના સ્નેહ પરમાર ચેમ્પિયન બન્યાં હતાં.
જેમાં 23 વર્ષથી નીચેના બોડીબિલ્ડરો જુનિયરમાં અને 40 વર્ષથી વધુ ઉંમરના બોડી બિલ્ડરો માસ્ટરમાં રમ્યાં હતાં. બધા ડિવિઝન્સ મળીને સ્પર્ધકો 26 જેટલી અલગ અલગ વેટ, હાઈટ અને એજ કેટેગરીમા ભાગ લીધો હતો. તમામ વિજેતાઓ એપ્રિલ 2023 મા યોજાનારી 63મી સિનિયર અને 61મી જુનિયર નેશનલ બોડીબિલ્ડિંગ અને ફિટનેસ ચેમ્પિયનશિપમાં ટીમ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
ચેમ્પિયનશિપ દરમિયાન આયોજકોએ વિજેતાઓને રૂ. 5 લાખથી વધારેના ઇનામો આપવામાં આવેલ હતા. બોડી બિલ્ડીંગ અને ફિટનેસની રમતને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સ્ટેટ બોડીબિલ્ડર્સ એસોસિએશન છેલ્લા 4 દાયકાથી કામ કરી રહ્યું છે. તે ગુજરાતનું સૌથી જૂનું બોડીબિલ્ડિંગ એસોસિએશન છે અને તે ઇન્ડિયન બોડીબિલ્ડિંગ એન્ડ ફિટનેસ ફેડરેશન અને ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ બૉડીબિલ્ડિંગ અને ફિટનેસ સાથે સલંગ્ન છે. જેમાં 180 થી વધુ દેશો જોડાયેલા છે.