ગુજરાત એલર્ટ । વલસાડ
ગુજરાત સરકારના Knowledge consortium of Gujarat દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વલસાડ જિલ્લાનો ઝોન-૪નો મેગા પ્લેસમેન્ટ કેમ્પ આગામી તા. ૭ માર્ચ ૨૦૨૪ને ગુરૂવારે સવારે ૯-૩૦ થી સાંજે ૬ કલાક સુધી વલસાડની શાહ નરોતમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજ ખાતે યોજાશે.
આ અંગે નોડલ -૪ના કો-ઓર્ડિનેટર ડૉ.ગિરીશકુમાર રાણાએ માહિતી આપતા જણાવ્યું કે, રાજ્ય સરકાર દર વર્ષે આ કેમ્પનું આયોજન કરે છે. જેમાં વલસાડ જિલ્લાની ૧૪ કોલેજો સહભાગી થતી હોય છે. આ સર્વ કોલેજના બી.કોમ અને એમ.કોમના વિદ્યાર્થીઓ તેમજ દરેક કોલેજના કો-ઓર્ડિનેટરો, આચાર્યો અને જે તે કપંનીના પ્રતિનિધિઓ કેમ્પમાં હાજર રહે છે. કેમ્પના દિવસે ઇન્ડસ્ટ્રી/કંપનીને આવશ્યક જરૂરિયાતવાળા ક્વોલિફાઈડ વિદ્યાર્થીઓનું સિલેકશન તેમજ નિમણુકની પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે. ૩૦થી વધુ કંપનીઓ આ કેમ્પમાં હાજર રહેશે. વિદ્યાર્થીઓને નોકરીની તક આપવામાં આવશે. સમગ્ર રાજ્યમાં ઝોન નોડલ વાઈસ આ કેમ્પનું આયોજન થાય છે.
આ કેમ્પનું ઉદઘાટન શ્રી નૂતન કેળવણી મંડળના ચેરમેન સ્વાતિબેન લાલભાઈના હસ્તે થશે. નૂતન કેળવણી મંડળના મંત્રી કિર્તીભાઈ દેસાઈ અને વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખ સતીષભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. ઝોન ૪ના કો-ઓર્ડિનેટર કોટક તેમજ કો -ઓર્ડિનેટર પ્રો.કે.ડી.પંચાલ હાજર રહેશે. ગુજરાત સરકારના આ પ્રકારના પ્રયત્નો યુવાનોને રોજગારી મેળવવા માટે ખુબ જ લાભદાયી નીવડશે. જેના થકી આવનારા દિવસોમાં ગુજરાતમાં મોટો બદલાવ જોવા મળશે. વિદ્યાર્થીઓને પોતાના રહેઠાણ નજીક જ નોકરીઓ મળે એવા પ્રયાસ આ કેમ્પ દ્વારા કરવામાં આવે છે. કોલેજના કો -ઓર્ડિનેટર પ્રો.એમ.જી.પટેલ, પ્રો.પારસ શેઠ, પ્રો. મિનાક્ષી જરીવાલા, પ્રો.ટી.બી.પટેલ, પ્રો.તરુલતા માહ્યાવંશી, પ્રો.ચિરાગ રાણા પરિશ્રમ કરી રહ્યા છે.