રાજયના નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીના દેગામમાં મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટની શાળાની કંપાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત કરાયુ: સરકાર દ્વારા વિશિષ્ટ બાળકોના વિકાસ માટે સવલતો આપવામાં આવી રહી છે જેથી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બની શકેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના દેગામ ખાતે આવેલી મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મુકબધિર અને માનસિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ બાળકો માટેની ધો ૧ થી ૧૦ સુધીની શાળા કમ હોસ્ટેલની જેટકો દ્વારા બનાવવામાં આવેલી ૭૫૦ મીટરથી વધુ લંબાઈ ધરાવતી કંપાઉન્ડ વોલની કામગીરીનું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રવિવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંવેદનશીલતા સાથે માનસિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ બાળકો માટે અનેકવિધ યોજના અમલમાં મુકી છે. આ વિશિષ્ટ બાળકો પણ આપણા સમાજનો ભાગ છે તેમને પ્રેમ, હૂંફ અને લાગણીની જરૂર હોય છે જેથી તેઓ પણ સમાજમાં સક્રિય થઈ શકે છે. સરકાર દ્વારા તેઓના વિકાસ માટે સવલતો આપવામાં આવી રહી છે જેથી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે. વધુમાં મંત્રીશ્રીએ મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થઈ રહેલી કામગીરીને બિરદાવી શાળાના સ્ટાફ અને ટ્રસ્ટી મંડળને અભિનંદન પાઠવ્યા હતા.

મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડો. મોહન દેવએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, ટ્રસ્ટ સંચાલિત આ શાળા અને હોસ્ટેલમાં ધો. ૧ થી ૧૦માં ૭૦ થી ૮૦ મુકબધિર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જ્યારે ધો. ૧ થી ૫ સુધીની દિવ્યાંગ બાળકો માટેની શાળામાં ૫૫ થી ૬૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આમ, બંને વિભાગમાં ચાર વર્ષથી લઈને ૧૭ વર્ષ સુધીના કુલ ૧૩૦ થી ૧૪૦ બાળકો શિક્ષણ લઈ રહ્યા છે. હોસ્ટેલમાં ૪૦ થી ૫૦ ગર્લ્સ અને બોયઝ છે જેમાંથી ૧૯ ગર્લ્સ અને ૨૫ થી ૩૦ બોયઝનો સમાવેશ થાય છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા આગળના ભાગે ૧૫૦ મીટરની કંપાઉન્ડ વોલ બનાવી આપવામાં આવી હતી પરંતુ બાકીની કંપાઉન્ડ વોલ માટે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિક્લસ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના પ્રયાસોથી જેટકો દ્વારા કંપાઉન્ડ વોલ બનાવવા માટે રૂ. ૨૫ થી ૩૦ લાખની મદદ કરાતા ૭૫૦ મીટરથી વધુ લંબાઈ ધરાવતી કંપાઉન્ડ વોલ બનાવવામાં આવશે. જેનાથી અંદાજે ૧૪૦ જેટલા વિશિષ્ટ બાળકોની સુરક્ષા અને સલામતીમાં વધારો થશે.

મંત્રીશ્રીએ આ વિશિષ્ટ શાળાની મુલાકાત લઈ ટ્રસ્ટ દ્વારા થઈ રહેલી કામગીરીનો ચિતાર મેળવ્યા હતો. આ પ્રંસગે ગામના સરપંચ જયાબેન નટુભાઈ પટેલ, ટ્રસ્ટના ટ્રસ્ટી જ્યોતિબેન શાહ, સેક્રેટરી રમાકાન્ત યાદવ, ખજાનચી અમૃતભાઈ સોની, ગામના અગ્રણી ઉમેશભાઈ પટેલ સહિત દિવ્યાંગ અને મુકબધિર બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!