ગુજરાત એલર્ટ । વલસાડ
પ્રસુતિ દરમિયાન સમય પહેલા જન્મેલા બાળકો, ઓછુ વજન ધરાવતા બાળકો તેમજ શ્વાસ સહિતની જટીલ સ્વાસ્થ્ય તકલીફ સાથે જન્મેલા બાળકોને ટર્સરી કેર હોસ્પિટલ સુધી મોકલવા ન પડે અને સ્થાનિક કક્ષાએ જ ઝડપથી સારવાર આપી શકાય તે માટે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૬ બેડની સુવિધાથી સજ્જ સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ (SNCU) યુનિટનું આજે તા. ૨૨ ડિસેમ્બરના રોજ સવારે ૧૧ કલાકે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે.
વલસાડ જિલ્લા પંચાયતની ૧૫માં નાણાપંચની રૂ. ૪૦ લાખની ગ્રાંટ માંથી સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ૬ ઈન્ફન્ટ વોર્મર, ૩ ફોટોથેરાપી યુનિટ, ૬ સિરીંજ પંપ, ૩ પલ્સ ઓક્સીમીટર, ૨ મલ્ટી પેરા મોનીટર, ૧ ઈસીજી મશીન, ૧ સીપીએપી બબલ મશીન, ૧ વોશીંગ મશીન, ૧ લેરિન્ગોસ્કોપ, ૧ સકશન પંપ ફૂટ ઓપરેટેડ, ૩ સકશન પંપ ઈલેકટ્રીક, ફ્રીઝ, ૭ અંબુ બેગ અને કમ્પ્યુટર પ્રિન્ટર સેટની સુવિધા પણ આપવામાં આવી છે. અહીં નિષ્ણાંત તબીબો દ્વારા ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવાઓ પ્રદાન કરવામાં આવશે.