ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. (જેટકો) દ્વારા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે રૂ. ૧૦૬ કરોડના ખર્ચે નવનિર્મિત ૨૨૦ કે.વી.સરીગામ (જી.આઈ.એસ.) સબ સ્ટેશનનું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે ડહેલી ગામે જેટકોના ૬૬ કે.વી. સબ સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરના પ્રજાલક્ષી અભિગમને બિરદાવી જણાવ્યું કે, રમણભાઈ લોકોના કલ્યાકારી પ્રશ્નોનું ખૂબ જ ચીવટાઇપૂર્વક ધ્યાન રાખી પ્રજાના પ્રશ્નો હલ કરી સુખાકારી આપી રહ્યા છે. વીજળીની હવે સમસ્યા ભૂતકાળ બની છે. આજે અહીં સરીગામમાં ૨૨૦ કે.વી. અને ડહેલીમાં ૬૬ કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ થતા આવનારા ૨૦ વર્ષમાં નવા ઉદ્યોગ સ્થપાશે કે રહેણાંક વિસ્તારનો વ્યાપ વધશે તો પણ વીજળીનો પુરવઠો ઘટશે નહીં એ મુજબ દુરંદેશી આયોજન કરવામાં આવ્યું છે. જીવન જીવવા માટે અને ઉદ્યોગોના વિકાસ માટે વીજળી અને પાણી બન્ને મહત્વના છે. આપણે નસીબદાર છીએ કે, નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી પદે હતા ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતથી ઔદ્યોગિક વિસ્તારનો વિકાસ થયો હતો જે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાહબરીમાં પણ નિરંતર ચાલુ રહ્યો છે.
સોલાર પોલીસીનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૯માં સોલાર પોલીસી અમલમાં મૂકી હતી. ગત રામ નવમીના દિવસે વડાપ્રધાનશ્રીએ દેશના એક કરોડ ઘરો પર સોલાર લગાવવા આહવાન કર્યું હતું, જે સંદર્ભે ગુજરાતમાં ૩.૫૦ લાખ ઘરો પર સોલાર સાથે ગુજરાત સમગ્ર દેશમાં નંબર વન છે.છેલ્લા એક વર્ષમાં વીજળીના ફ્યુઅલ ચાર્જમાં રૂ. એકનો ઘટાડો થતા લોકોને સસ્તા દરે ગુણવત્તાસભર વીજળી મળી રહી છે. દેશમાં કુલ ૪૨ વીજ કંપની છે જેમાંથી આપણી દક્ષિણ ગુજરાત વીજ કંપની પ્રથમ નંબર પર આવી છે જે ગૌરવની વાત છે. આ સાથે જ જેટકોને પણ સમગ્ર દેશમાં સારામાં સારું ટ્રાન્સમિશન આપવા માટે પ્રથમ ક્રમ મળ્યો છે.
જેટકોના એમડી ઉપેન્દ્ર પાંડેએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, આ સબ સ્ટેશનો બનાવવા માટે પર્યાવરણનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. ચાર મલ્ટી સર્કિટ ટાવર ઉભા કરી ઓછામાં ઓછી જમીનનો ઉપયોગ કરી જમીનની બચત કરી છે. ભવિષ્યની વીજ માંગને ધ્યાનમાં રાખીને આ સબ સ્ટેશન બનાવાયા છે. જેનાથી હાલના ૫૨ ગામના ચાર લાખ લોકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળશે, વોલ્ટેજની સમસ્યા પણ હલ થશે, ફીડરોની લંબાઈ ઘટવાથી ટી એન્ડ ડી લોસ ઘટશે. ખેતી અને બિનખેતી વપરાશકારોને વિના વિક્ષેપ વીજળી આપી શકાશે. આ વિસ્તારોમાં નવા વીજ જોડાણ પણ આપી શકાશે. રાજ્ય સરકારની કોસ્ટલ યોજના દ્વારા આ વિસ્તારમાં મૂડી રોકાણના વળતરને ધ્યાનમાં લીધા સિવાય માત્ર આ વિસ્તારની જનતાના વિકાસઅર્થે આ સબ સ્ટેશન ઉભા કરાયા છે. વલસાડ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૬૬ કે.વી. ના ૧૭ સબ સ્ટેશન કાર્યાન્વિત કર્યા છે, વર્ષ ૨૦૨૪- ૨૫ માં વધુ ૬ સબ સ્ટેશન કાર્યાન્વિત કરાયા છે જ્યારે વર્ષ ૨૦૨૫- ૨૬માં વધુ ૧૦ સબ સ્ટેશન કાર્યરત કરવાનું આયોજન છે.
આ પ્રસંગે ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર, ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન દુમાડા, જિલ્લા પંચાયત સભ્ય સર્વશ્રી દિપક મિસ્ત્રી, મુકેશ પટેલ, જેટકોના ઓડીએસ જે.ડી.તન્ના, પારડીના પ્રાંત અધિકારી નિરવ પટેલ, ઉમરગામના સ્થાનિક આગેવાનો સર્વશ્રી હર્ષદ શાહ, ઉમરગામ તાલુકા સંગઠન પ્રમુખ નિરવ શાહ, દિલીપ ભંડારી, મહેશ આહીર, વીઆઈએ પ્રમુખ સતીષ પટેલ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.