વલસાડ જિલ્લામાં ધો. ૧૦ અને ૧૨ બોર્ડના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક હેલ્પલાઈન કાર્યરત કરાશે

ગુજરાત એલર્ટ । વલસાડ
આગામી ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા પૂર્વે વલસાડના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વલસાડ જે.સી.આઇ. અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક શૈક્ષણિક હેલ્પલાઇન કાર્યરત કરાશે.
વલસાડ જેસીઆઈ વર્ષોથી બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે ‘‘એન્જોય યોર એક્ઝામ’’ હેઠળ કાર્યક્રમો કરતી આવી છે. ત્યારે આગામી બોર્ડની પરીક્ષા પૂર્વે જેસીઆઈ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે વલસાડ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓના પરિણામનું સ્તર ઊંચું આવે તે માટે શૈક્ષણિક મદદ મળી રહે એવા શુભ આશય સાથે હેલ્પ લાઈન કાર્યરત કરવામાં આવી રહી છે.
બોર્ડની પરીક્ષાનો ડર અને શૈક્ષણિક વિષયમાં નબળાઈ કે અણઆવડત, ક્યારેક શાળા કે ટ્યૂશનના શિક્ષકને ન પૂછી શકવાનો ડર વિદ્યાર્થીઓને ટેન્શન, સ્ટ્રેસ, હતાશા અને નિરાશામાં ડુબાડી દેતો હોય છે. જેથી આવા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે નિઃશુલ્ક હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓની શૈક્ષણિક વિષયોની મુંઝવણો દુર કરી વધુ ને વધુ આત્મવિશ્વાસથી ભરપૂર બનાવશે. આ વિઝન સાથે વલસાડ જિલ્લામાં વર્ષ ૨૦૨૪ની બોર્ડની પરીક્ષા આપવા જનાર દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે “તમે એકલા નથી” પ્રોજેકટ હેઠળ ખાસ કરીને નબળા વિદ્યાર્થીઓને જે તે વિષયનું સ્પેશિયલ કોચીંગ રવિવારના રોજ જે તે કલસ્ટર પ્રમાણે વિવિધ શાળાઓમાં આપવામાં આવશે. જેસીઆઈના પ્રમુખ જેસી પ્રણવ દેસાઈએ જેસીઆઈની સમાજને ઉપયોગી વિવિધ પ્રવૃતિઓ અંગે માહિતી આપી હતી.
જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી એમ સી ભુસારાએ બોર્ડની પરીક્ષામાં વલસાડ જિલ્લાનું પરિણામ સારૂ આવે તે માટે શરૂ કરાનારી શૈક્ષણિક હેલ્પલાઈન અંગે જણાવ્યું કે, નબળા બાળકો સુધી પહોંચવા માટે આ હેલ્પલાઈન કાર્યરત થશે. જેમાં તેઓ પરીક્ષામાં કેવી રીતે પાસ થઈ શકે તે અંગે માર્ગદર્શન અપાશે. વિદ્યાર્થીઓ માટે ક્વેશ્ચન બેંક પણ બનાવાશે. શિક્ષકો વિદ્યાર્થીઓને વાંચવાની, લખવાની અને પરીક્ષામાં યાદ કેવી રીતે રાખવુ તે અંગેની ટેકનિક શીખવશે, જે ટેકનિક પરીક્ષામાં વિદ્યાર્થીઓને ઉપયોગી થશે. આગામી ટૂંક સમયમાં બીએપીએસ સ્કૂલમાં વર્કશોપનું આયોજન કરવામાં આવનાર છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા વાલીઓના સંતાનોને મદદ મળી શકશે.
પ્રોજેક્ટ ડિરેક્ટર જેસી ડો. શ્રીકાન્ત કનોજિયાએ આ હેલ્પલાઈન કેવી રીતે કામ કરશે તે અંગે માહિતી આપતા જણાવ્યું કે, વિદ્યાર્થીઓને આત્મહત્યાનો વિચાર જ ન આવે તે માટે પરીક્ષાલક્ષી કે પછી જે તે વિષયને લગતી જે પણ મૂંઝવણ હશે તે દૂર કરવામાં આવશે. વલસાડ જિલ્લાનું પરિણામ સારૂ આવે તે માટે શૈક્ષણિક હેલ્પલાઈનનો વલસાડમાં પહેલો પ્રોજેક્ટ હશે. જેમાં શિક્ષણાધિકારી કચેરી દ્વારા ૭૬ અને જેસીઆઈના ૨૫ નિષ્ણાત શિક્ષકો વિદ્યાર્થીઓને પેપર સોલ્યુશન અને પેપર લખવાની પ્રેકટીસ કરાવી જરૂરી માર્ગદર્શન આપશે. જે વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા હશે તો જે તે વિસ્તારની શાળામાં જઈ શિક્ષકો માર્ગદર્શન આપશે. આ હેલ્પલાઈન ઈંગ્લીશ અને ગુજરાતી માધ્યમના માત્ર ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે જ કાર્યરત રહેશે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર બીપીનભાઈ પટેલ તેમજ પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોજેક્ટ ચેરપર્સન જેસી ઋજુતા પારેખે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી આભારવિધિ કરી હતી. જેસીઆઈ પરિવારના સભ્યોએ આ પરિષદને સફળ બનવાં ભારે જહેમત ઉઠાવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!