ગુજરાત એલર્ટ | વલસાડ
મીડિયાકર્મીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી પત્રકાર વેલ્ફેર એસોસીએશન, વલસાડ દ્વારા પાછલા વર્ષોના સફળ આયોજન બાદ પત્રકારો માટે સતત પાંચમા વર્ષે મીડિયા એવોર્ડ પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવ્યું છે, જે એવોર્ડ પ્રતિયોગીતામાં ભાગ લેવા ઈચ્છતા સુરત શહેર સિવાયના સમગ્ર દક્ષિણ ગુજરાતનાં પત્રકારો પાસેથી 1 વર્ષની પોતાની પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાની ન્યુઝ કોપી મંગાવવામાં આવી છે.
જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા પત્રકાર વેલ્ફેર એસોસિએશન વલસાડ દ્વારા છેલ્લા 4 વર્ષથી સતત એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ પસંદગી પામેલ સ્ટોરીઓના લેખકોને એવોર્ડ વિતરણ સમારંભમાં જુદી જુદી કેટેગરીમાં પારિતોષિકથી નવાજવામાં આવશે. આ પ્રતિયોગિતામાં બેસ્ટ હયુમન સ્ટોરી, બેસ્ટ સોફ્ટ સ્ટોરી, બેસ્ટ ઇન્વેસ્ટીગેટીવ સ્ટોરી, હટકે સ્ટોરી(કંઈક અલગ), બેસ્ટ ઈમ્પેકટ સ્ટોરી, બેસ્ટ ફોટો સ્ટોરી, બેસ્ટ પોઝીટીવ સ્ટોરી, બેસ્ટ વિડીયો ફૂટેજનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રતિયોગિતાનાં પ્રોજેક્ટ ચેરમેન અપૂર્વ પારેખે જણાવ્યું હતું કે એવોર્ડ માટે એક કેટેગરીમાં 2 જ ન્યુઝ મોકલી શકાશે. મોકલવામાં આવેલી સ્ટોરી મીડિયા સાથે સંકળાયેલા નિષ્ણાંત જજો દ્વારા જુદી જુદી કેટેગરીઓમાં પસંદગી કરી નિર્ણય લેવાશે. એવોર્ડ પ્રતિયોગીતા માટેના પરિણામની તારીખ આગામી સમયમાં નક્કી કરી પરિણામ સ્ટેજ કાર્યક્રમ દ્વારા સ્ટેજ ઉપરથી જાહેર કરી વિજેતાઓને સન્માનવામાં આવશે.
આ એવોર્ડ પ્રતિયોગીતા માટેની એન્ટ્રી નિઃશુલ્ક રહેશે. જેમાં તા. ૦૧/૦૧/૨૪ થી તા. ૩૧/૧ર/૨૪ સુધીમાં છપાયેલ અથવા પબ્લીશ થયેલ પ્રિન્ટ અથવા વિડીયો ન્યુઝ જ માન્ય ગણવામાં આવશે.
જે તે મિડીયાકર્મીએ પોતાનાં ન્યુઝ તા.૩૧/૦૧/૨૫ સુધીમાં ઈ-મેઈલ patrakarwelfareassociation@gmail.com પર મોકલી દેવાના રહેશે, ફકત ઈ-મેઈલ થી આવેલી એન્ટ્રીઓ જ ઘ્યાનમાં લેવામાં આવશે. આ બાબતે પૂછપરછ કરવી હોઈ તો 8999833333 પર સંપર્ક કરવા જણાવાયું છે.
નવસારી, સુરત ગ્રામ્ય, તાપી જિલ્લાનાં પત્રકારો પણ ભાગ લઈ શકશે
એસોસિએશનના પ્રમુખ હર્ષદ આહિરના જણાવ્યા મુજબ દર વર્ષે વલસાડ જિલ્લાનાં મીડિયાકર્મીઓ માટે જ પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવતું હતું. પરંતુ વલસાડ ઉપરાંત અન્ય જિલ્લાના પત્રકારો દ્વારા પણ તેમનો પ્રતિયોગીતામાં સમાવેશ કરાય તેવી એસોસિયેશન સમક્ષ ઈચ્છા વ્યક્ત કરાતા આ વર્ષે આ પ્રતિયોગિતાનો વ્યાપ વધારાયો છે. આ વર્ષે પ્રતિયોગીતામાં વલસાડ ઉપરાંત સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી, નવસારી, ડાંગ, સુરત ગ્રામ્ય અને તાપી જિલ્લાનાં મીડિયાકર્મીઓ પણ ભાગ લઈ શકશે.