વલસાડ જિલ્લામાં જન્‍માષ્‍ટમી અને ગણેશ મહોત્‍સવ દરમિયાન કોવિડ-૧૯ સંક્રમણને અટકાવવા કેટલાક નિયંત્રણો:સમગ્ર વલસાડ જિલ્લામાં જન્‍માષ્‍ટમી તહેવાર સંદર્ભે મટકીફોડના કાર્યક્રમોનું આયોજન કરી શકાશે નહીં

સાર્વજનિક ગણેશ મહોત્‍સવમાં મહત્તમ ૪ ફુટની જયારે ઘરમાં મહત્તમ બે ફુટની ગણેશ મૂર્તિનું સ્‍થાપન કરી શકાશે

વલસાડ : નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯)ને ડબલ્‍યુ.એચ.ઓ. દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. આ સંબંધમાં કેન્‍દ્ર તથા રાજ્‍ય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે. જેને અનુલક્ષીને આગામી જન્‍માષ્‍ટમી અને ગણેશ મહોત્‍સવના તહેવારો દરમિયાન વલસાડ જિલ્લા મેજિસ્‍ટ્રેટ ક્ષિપ્રા એસ.આગ્રેએ નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની જોગવાઇઓ અને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩(૧૯૭૪ નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪ તેમજ ધ એપેડેમીક ડીઝીસ એકટ ૧૮૯૭ અન્‍વયે ધ એપેડેમીક ડીઝીસ કોવિડ૧૯ રેગ્‍યુલેશન, ૨૦૨૦ની જોગવાઇઓ તથા ઇન્‍ડીયન પીનલ કોડની કલમ ૧૮૮ અનવ્‍યે હેઠળ તેમને મળેલી સત્તાની રૂઇએ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા કેટલીક સુચનાઓનું ચુસ્‍તપણે પાલન કરવા હુકમ કર્યો છે.
જે અનુસાર કૃષ્‍ણ જન્‍મોત્‍સવના તહેવાર નિમિત્તે સમગ્ર વલસાડ જિલ્લામાં તા.૩૦/૦૮/૨૦૨૧ના રોજ જન્‍માષ્‍ટમીના રોજ રાત્રિના ૧૨.૦૦ કલાકે પરંપરાગત રીતે યોજાતાં કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ઉજવણી કરી શકાશે. આ ઉજવણી દરમિયાન સોશીયલ ડીસ્‍ટન્‍સિંગ તથા માસ્‍ક ફરજિયાત રહેશે. સમગ્ર વલસાડ જિલ્લામાં મંદિર પરિસરમાં એક સમયે એક સાથે મહત્તમ ૨૦૦ વ્‍યક્‍તિઓ સોશીયલ ડીસ્‍ટન્‍સિંગ સાથે દર્શન કરી શકશે. મંદિર પરિસરમાં ફરજિયાત રીતે માસ્‍ક અને સોશિયલ ડિસ્‍ટન્‍સિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે તથા ગોળ કુંડાળા (સર્કલ) કરીને તેમાં ઊભા રહીને દર્શન કરવાના રહેશે. આ તહેવાર સંદર્ભે મહત્તમ ૨૦૦ વ્‍યક્‍તિઓ સાથે મર્યાદિત રૂટ ઉપર પાંરપારિક રીતે નીકળતી શોભાયાત્રાઓનું આયોજન મર્યાદિત વાહનોમાં કરી શકાશે. આ ઉપરાંત ગૃહ વિભાગના તા.૦૭/૦૬/૨૦૨૦ના હુકમથી જાહેર કરાયેલા કોરોના સંક્રમણ નિયંત્રણ અંગે ધાર્મિકસ્‍થાનો માટેની માર્ગદર્શિકાનું ચુસ્‍તપણે પાલન કરવાનું રહેશે. જન્‍માષ્‍ટમી તહેવાર સંદર્ભે સમગ્ર વલસાડ જિલ્લામાં મટકીફોડના કાર્યક્રમોનું આયોજન કરી શકાશે નહીં.

તા.૦૯ થી તા.૧૯મી સપ્‍ટેમ્‍બર, ૨૦૨૧ દરમિયાન યોજાનારા ગણેશ મહોત્‍સવમાં સમગ્ર વલસાડ જિલ્લામાં સાર્વજનિક ગણેશ મહોત્‍સવમાં મહત્તમ ૪ ફુટની જયારે ઘરમાં મહત્તમ બે ફુટની ગણેશ મૂર્તિનું સ્‍થાપન કરી શકાશે. આયોજકો દ્વારા સાર્વજનિક ગણેશ મહોત્‍સવમાં પંડાલ/ મંડપ શકય તેટલો નાનો રાખવાની સાથે સોશીયલ ડીસ્‍ટન્‍સિંગ જળવાય તે હેતુથી યોગ્‍ય અંતરે ગોળ કુંડાળા કરીને દર્શનની વ્‍યવસ્‍થા કરવાની રહેશે. સાર્વજનિક ગણેશ ઉત્‍સવ સ્‍થળોએ માત્ર પૂજા, આરતી અને પ્રસાદ વિતરણ કરી શકાશે. અન્‍ય કોઇ ધાર્મિક /સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજવાના રહેશે નહીં. ગણેશ સ્‍થાપન અને વિસર્જન માટે મહત્તમ ૧૫ વ્‍યક્‍તિઓની મર્યાદામાં ફકત એક જ વાહન મારફત સ્‍થાપન અને વિસર્જન કરી શકાશે. ઘરે સ્‍થાપન કરવામાં આવેલા ગણેશજીનું વિસર્જન ઘરે જ કરવામાં આવે તે વધારે હિતાવહ રહેશે, સ્‍થાનિક સત્તામંડળ દ્વારા બનાવવામાં આવેલા નજીકના કૃત્રિમ વિસર્જન કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે. કોઇ એક જ સ્‍થળે ભીડ એકત્રિત ન થાય તે હેતુસર સ્‍થાનિક સત્તામંડળે ગણેશ વિસર્જન માટે શકય તેટલા વધારે કૃત્રિમ વિસર્જ્‍ય કુંડ બનાવવાના રહેશે.
કોઇ પણ વ્‍યક્‍તિ આ હુકમનું ઉલ્લંઘન કરશે તો તેમની વિરૂધ્‍ધ ધ એપેડેમીક ડીસીઝ એક્‍ટ-૧૮૯૭ અન્‍વયે ધ ગુજરાત એપેડેમીક ડીસીઝ કોવિડ-૧૯ રેગ્‍યુલેશન તેમજ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની જોગવાઇઓ ઉપરાંત આઇ.પી.સી.ની કલમ ૧૮૮ હેઠળ કાનૂની પગલાં તથા અન્‍ય કાનૂની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!