ગુજરાત એલર્ટ | ખેરગામ
ખેરગામ નજીક આવેલાં રૂમલા ગામમાં રાનકુવા રોડ ઉપર આવેલી 7 દુકાનોના તાળાં તોડી તસ્કરો 40 એન્ડ્રોઇડ મોબાઈલ સહીત રૂ.3 લાખથી વધુની ચોરી કરી ગયાં હોવાનું જાણવાં મળે છે.
મળતી વિગતો મુજબ રૂમલામાં યોગેશભાઈ પટેલ જાનવી મોબાઈલ નામની દુકાન ચાલે છે. જેમાં તા.4 ના રોજ રાત્રીના સમયે દરરોજની જેમ તેઓ દુકાન બંધ કરી જતા રહ્યા હતા. ત્યારબાદ રાત્રીએ એકથી દોઢેક વાગ્યાના સમયે બે જેટલા અજાણ્યા ચોર ઈસમોએ દૂકાનમાં પ્રવેશી 40 નંગ એન્ડ્રોઇડ મોબાઈલ, 3 સ્માર્ટ વોચ, 3 બ્લુટુથ એસેસરીઝ સહિત અંદાજીત ત્રણથી સાડા ત્રણ લાખની ચોરી કરી ગયા હતા.
જ્યારે આજુબાજુમાં આવેલી નેહલભાઈની ગજાનંદ પશુ આહારમાં દશ હજાર, અશોકભાઈની ખોડિયાર ફર્નિચરમાં 16 હજાર,પરીતેષ ભાઈની જેનિલ ફેશન નામની દુકાનમાં 6 હજાર, ઉમેશભાઈની મા ભવાની ઝેરોક્ષમાં 3500, પ્રફુલભાઈની અમુલ પાર્લરમાંથી 5 હજાર તેમજ ધૂમલભાઈની શિવ શક્તિ ફાસ્ટ ફૂડ નામની દુકાનમાં 5 હજારની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ અરજી યોગેશભાઈ પટેલે ખેરગામ પોલીસ મથકે આપતા આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સ્થાનિક નિલેશભાઈ લાડે જણાવ્યું કે બે ઈસમો ચોરી કરતા CCTV માં નજરે પડે છે. સવારે 6:30 વાગ્યે આવીને જોયું તો 5 દુકાનના તાળા તૂટેલા હતા. તરત જ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ ચેક કર્યા જેમાં એકાદ વાગેની ઘટના બની હોય જેમાં બે ઇસમો ચોરી કરતા દેખાય છે. આ બાબતે તરત નજીકમાં આવેલી પોલીસ ચોકીમાં પોલીસ કર્મીઓને ઘટનાની જાણ કરી હતી. તેઓ આવીને જોઈ ગયા હતા. આ બાબતે યોગ્ય તપાસ અને કાર્યવાહી થાય એવી અમારી માંગ છે.