પાલઘરના બાળકની શ્વાસનળીમાં ફસાયેલુ સીતાફળનું બી વલસાડ સિવિલમાં ઓપરેશન કરી બહાર કઢાયુ. ઓક્સિજન લેવલ ૯૦ થઈ ગયુ હતું, માત્ર એક કલાકમાં જ દૂરબીનથી ઓપરેશન કરી જીવ બચાવાયો

ગુજરાત એલર્ટ । વલસાડ
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ત્રણ વર્ષનું બાળક ગત શનિવારે સાંજે પાંચ કલાકે રમતા રમતા સીતાફળનું બી ગળી ગયુ હતું. જે શ્વાસનળીમાં ફસાઈ જતા બાળકના માતા પિતા સારવાર અર્થે દાહાણુ હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ૧૦૮ મારફત વલસાડ જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવતા રાત્રે ૧૦:૩૦ કલાકે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. ફરજ પરની બાળકો અને ઇ.એન.ટી. વિભાગની તબીબી ટીમ દ્વારા દર્દીની પ્રાથમિક તપાસ કરતા દર્દી ગભરામણ સાથે આવ્યું હતું અને તેનું ઓક્સિજન લેવલ ૯૦ જેટલું થઈ ગયુ હોવાથી પરિસ્થિતિ વધારે ન બગડે તે માટે તાત્કાલિક એક કલાકની અંદર કોઈ પણ કાપા વગર દૂરબીનથી ઇ.એન.ટી. અને એનેસ્થેસિયા વિભાગ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું.

અડધા કલાકમાં જ બાળકની શ્વાસનળીમાં ફસાયેલુ સીતાફળનું બી કાઢી નાખવામાં આવ્યું હતું. ૨૪ કલાક માટે દર્દીને ઓબ્ઝર્વેશનમાં રાખી સોમવારે સવારે રજા આપવામાં આવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!