મુંબઈ: કોરોનાના સંકટ વચ્ચે પણ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનનો તહેવાર ખૂબ ઉત્સાહ સાથે દેશભરમાં મનાવવામાં આવ્યો હતો. બહેનોએ ભાઇના હાથમાં રાખડી બાંધીને તહેવારની ઉજવણી કરી હતી. આ વર્ષે બહેનોએ ભાઇ માટે ચીનની રાખડીને બદલે ભારતમાં બનેલી દેશી રાખડીઓ પસંદ કરી હતી. આને કારણે ચીનને કરોડોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ)એ ભારતીય રાખડીઓ ખરીદવાના કરેલા આહ્વાન બાદ દેશની બહેનોએ ચીનની રાખડીનો બહિષ્કાર કર્યો હતો અને ભારતમાં બનેલી રાખડીઓ ભાઇને બાંધી હતી. દેશભરની બજારોમાં વેપારીઓએ મોટાભાગે દેશી રાખડીઓ જ વેંચી હતી, જયારે લોકોએ પણ તે જ ખરીદી હતી. દેશના લોકોએ મળીને ચીનની રાખડીઓનો સામૂહિત બહિષ્કાર કરતા ચીનને પાંચ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયુ હોવાનો દાવો કેટે કર્યો છે.
આ અંગે કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતિયાએ જણાવ્યું હતું કે આ વર્ષે ભારતમાં બનેલી રાખડીઓને પ્રોત્સાહન આપવા માટે દેશના ૪૦ હજારથી વધુ વેપારી સંગઠનોએ દેશભરના તમામ શહેરોમાં આંગનવાડી કાર્યકર્તાઓ, દ્યરમાં કામ કરતી મહિલાઓ, ગરીબ વિસ્તારમાં રહેતી મહિલાઓ પાસેથી રાખડીઓ બનાવડાવી હતી, જેમની રોજીરોટી કોરોના મહામારી વચ્ચે છીનવાઇ ગઇ હોય. બજારમાં આ ભારતીય રાખડીઓનું મોટાપાયે વેંચાણ થતા ચીનને મોટું આર્થિક નુકસાન થયું છે.