નાઈટ કરફ્યૂમાં સિંગણપોરના પીઆઈએ વિદાય સમારંભ યોજ્યો : કમિશનરે સસ્પેન્ડ કરી દીધો: ગુન્હો પણ નોંધાયો

શહેરની જ એક શાખામાં મંગળવારે બદલી થઇ છેલ્લા દિવસે આ પોલીસ ઇન્સ્પેક્ટરના માનમાં ડભોલી કુમકુમ ફાર્મમાં વિદાય સમારંભ રાખ્યો

સુરત:સુરતમાં નાઈટ કરફ્યૂમાં વિદાય સમારંભ રાખવો સિંગણપોરના PIને ભારે પડી ગયો છે. પીઆઈની પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ખળભળાટ મચી ગયો હતો. અને લોકોમાં પણ ભારે આક્રોશ ફેલાઈ ગયો હતો કે, સામાન્ય લોકો રાત્રે ઘરે પૂરાઈ રહે છે અને પોલીસવાળા રાત્રે પાર્ટીઓ પર પાર્ટીઓ કરે છે. તેવામાં વીડિયો વાઈરલ થતાં જ સુરત પોલીસ કમિશનરે સિંગણપોર PI એ.પી.સલૈયાને સસ્પેન્ડ કરી દીધા છે અને તેમની સામે ગુનો પણ નોંધવામાં આવશે.
સુરતના પી.આઇ એ.પી. સલૈયાની સિંગણપોર પોલીસ મથકમાંથી શહેરની જ એક શાખામાં મંગળવારે બદલી થઇ હતી. બુધવારે છેલ્લા દિવસે આ પોલીસ ઇન્સ્પેક્ટરના માનમાં ડભોલી કુમકુમ ફાર્મમાં વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો.
આ વિદાય સમારંભમાં પોલીસ સ્ટેશનનો સ્ટાફ મોટી સંખ્યામાં એકત્ર થયો હતો. ખુદ પીઆઈ દ્વારા કોરોના ગાઈડલાઈનના લીરેલીરે ઉડાડવામાં આવતાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
વીડિયો સામે આવ્યા બાદ સુરત પોલીસ કમિશનર અજય તોમરે પીઆઈ સામે આકરી કાર્યવાહી કરી છે. અને પીઆઈ એ.પી.સલૈયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં સિંગણપોર પોલીસ સ્ટેશનમાં જ તેમની સામે ગુનો પણ નોંધવામાં આવશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!