ગુજરાત એલર્ટ | વલસાડ
સનાતન ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન વલસાડના તિથલ સમુદ્ર કાંઠે સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના ભવ્ય દિવ્ય સ્થાપત્યને આ વર્ષે ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે ૨૫ વર્ષની સ્મૃતિઓને જાણવા અને માણવાનો પર્વ એટલે રજત જયંતિ મહોત્સવ તા. ૧૫ થી ૨૫ ડિસેમ્બર સુધી યોજાશે. જે માટે મંદિરની બાજુમાં ૨૫ એકર જમીન પર અભૂતપૂર્વ સ્વામિનારાયણ નગરનું નિર્માણ કરાઈ રહ્યુ છે. જે માટે દિવસ રાત તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
તિથલ સ્વામિનારાયણ મંદિરના પ્રેરક અને નિર્માતા બ્રહ્મસ્વરૂપશ્રી પ્રમુખસ્વામી મહારાજ છે અને પોષક છે BAPS સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ. તા.૧૫ થી ૨૫ ડિસેમ્બર એટલે કે ૧૧ દિવસ સુધી સ્વામિનારાયણ નગરમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સવારે ૯:૦૦ થી બપોરે ૨:૦૦ કલાક સુધી અને આમ જનતા માટે બપોરે ૩:૦૦ થી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી પ્રવેશનો સમય રહેશે. લોકોની આધ્યાત્મિક ઉન્નતિ થાય એ હેતુથી વિવિધ માધ્યમો અને રસપ્રદ કાર્યક્રમો દ્વારા લોકોને પવિત્ર પ્રેરણાઓ પ્રાપ્ત થશે. અહીં આધ્યાત્મિકતા એ ફક્ત આત્મ કલ્યાણ નહીં પરંતુ સમાજ કલ્યાણ પણ છે. જેની શુભ શરૂઆત થશે સમૂહ લગ્નોત્સવથી થશે. જેમાં ૧૦૧ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે. રજત જયંતિનો શુભારંભ તા:-૧૫/૧૨/૨૪ને રવિવારના રોજ સવારે ૮:૦૦ કલાકે સમૂહ લગ્ન અને સવારે ૧૦:૦૦ કલાકે નગર ઉદ્દઘાટનથી થશે. આજ દિવસે ફ્રી મેડીકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ ઉદ્દઘાટન થશે.
તા. ૧૫ થી ૨૫ ડિસેમ્બર દરમિયાન નિ:શુલ્ક સર્વરોગ નિદાન કૅમ્પ (મેગા સુપર સ્પેશ્યાલિટી મેડિકલ ચેકઅપ કેમ્પ) તેમજ બ્લડ ડોનેશન કેમ્પનો પણ જાહેર જનતાને લાભ પ્રાપ્ત થશે. આ મેગા સુપર સ્પેશ્યાલિટી મેડિકલ કેમ્પ દરમિયાન નિદાન થયેલા જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર કરવામાં આવશે. તા: ૨૦ અને ૨૧ ડિસેમ્બરના ના દિને વિશ્વશાંતિ મહાયાગ સવારે ૫:૩૦ કલાકે યોજવામાં આવશે. અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુ પરંપરાની ભવ્ય શોભાયાત્રા તા:-૨૧ ડિસેમ્બરને શનિવારે બપોરે ૨:૦૦ કલાકે વલસાડ શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરશે. તા: ૨૩ અને ૨૪ ડિસે. ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયુ છે. જેમાં તીથલ મંદિરનો ઐતિહાસિક ઈતિહાસ ગાથા સ્વરૂપે સાંજે ૭:૦૦ કલાકે રજૂ કરવામાં આવશે.તા:૨૪ ડિસે.ને મંગળવારે અક્ષર પુરુષોત્તમ મહારાજનો મહાઅભિષેક, મહાપૂજા અને મંદિર પાટોત્સવ સવારે ૬:૦૦ કલાકે યોજાશે. સાંજે ૭:૦૦ કલાકે મહિલા સંમેલનનું આયોજનમાં કરાયુ છે.
તા: ૨૫ ડિસે.ને બુધવારે રજત જયંતિની મુખ્ય સભા સાંજે ૭:૦૦ કલાકે શરૂ થશે. જેમાં બી.એ.પી.એસ સંસ્થાના સદગુરુ સંતોના અલૌકિક સાનિધ્યમાં રજત જયંતિ મહોત્સવની સભાનો અદભુત લાભ પ્રાપ્ત થશે.
સ્વામિનારાયણ નગરના મુખ્ય આકર્ષણો
બાળનગરી જેમાં ‘‘વિલેજ ઓફ બુઝો’’ અને ‘‘સી ઓફ સુવર્ણાના’’ વિદ્યાર્થીઓ માટેના ખાસ લાઇવ શો તેમજ બાળકોના મનોરંજન માટે ગેમ ઝોન અને મેસ્કોટ, પ્રેરણાદાયી પ્રદર્શનો: ચલો તોડ દે યે બંધન, અવર ઇન્ડિયા- માય ઈન્ડિયા, સંત પરમ હિતકારી, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભવ્ય પ્રવેશ દ્વાર તેમજ પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય પ્રતિમા, ભજન કુટીર, સુંદર બગીચો વગેરેનો લાભ પ્રાપ્ત થશે. આ અભૂતપૂર્વ નગરનો અનેરો લાભ લેવા BAPS તિથલ સ્વામિનારાયણ મંદિર તમામ વલસાડવાસીઓને સગા સ્નેહી અને સ્વજનો સાથે હદયથી આમંત્રિત કરે છે.