ગુજરાત એલર્ટ | વલસાડ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા શ્રી મોહન ભાગવતે પૂજ્ય ગુરુદેવ રાકેશજી દ્વારા સંસ્થાપિત વિશ્વવ્યાપી આધ્યાત્મિક અભિયાન ધરમપુર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર મિશનના આંતરરાષ્ટ્રીય મુખ્યાલય શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરની મુલાકાત લીધી હતી. શ્રીમદ્ રાજચંદ્રજીએ ધરમપુરમાં કરેલી પધરામણીના ૧૨૫ વર્ષ અને આરએસએસનો ૧૦૦માં વર્ષમાં પ્રવેશ થતા આ બંને પ્રસંગને લક્ષમાં લઇ થયેલી આ મુલાકાતને તેઓએ આધ્યાત્મિક યાત્રા ગણાવી હતી.
આ મુલાકાત દરમિયાન તેઓએ આશ્રમના વિવિધ સ્થળોની મુલાકાત લઇ મિશન દ્વારા દેશ વિદેશમાં ચાલી રહેલા અનેક સેવાયજ્ઞોની ઝાંખી મેળવી હતી. તેમણે અહીંના જિનમંદિરમાં બિરાજમાન ભગવાન મહાવીરસ્વામીના દર્શન-પૂજાનો પણ લાભ લીધો હતો. આશ્રમની સ્પિરિચ્યુઅલ વેલીમાં બિરાજમાન શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાજીનો મહામસ્તકાભિષેક કરતાં તેઓ ભાવવિભોર બની ગયા હતા. સત્સંગ અને ધ્યાન સંકુલ ‘રાજ સભાગૃહ’માં પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના આત્મ કલ્યાણકારી સત્સંગનો તેમણે ખાસ લાભ લીધો હતો અને સભાને સંબોધિત કરતાં કહ્યું કે, શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમા સામે આવતાં જ હાથ જોડાઈ જાય છે. અહીં આવવું મારા માટે સૌભાગ્યની વાત છે કારણ કે, અહીં દેશને ઉન્નત કરવાનું કામ થાય છે, આવા સ્થાન પર મારી બેટરી ચાર્જ થાય છે. ભારતમાં રાષ્ટ્ર અને ધર્મ બે નથી, એક જ છે. ધર્મનું ઉત્થાન એટલે રાષ્ટ્રનું ઉત્થાન છે. અમે ભૌતિક રાષ્ટ્રની સેવા કરીએ છીએ અને આવા સ્થળે પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજી જેવા સંતો દ્વારા ભારતને આંતરિક પ્રેરણા અને ઊર્જા પ્રદાન થાય છે. આમ આપણે રાષ્ટ્ર ઉત્થાન માટે પરસ્પર પૂરક છીએ.
આ પ્રસંગે શ્રી મોહન ભાગવત કે જેઓ સ્વયં એક પશુ પ્રેમી, ગૌરક્ષક અને વેટરનરી ડૉક્ટર છે તેમણે મિશનના આગામી પ્રોજેક્ટ ‘શ્રીમદ્ રાજચંદ્ર વેટરનરી કોલેજ’નું શિલાપૂજન અને તકતી અનાવરણ કર્યું હતું. ભારતમાં વેટરનરી કોલેજની સંખ્યા ખૂબ જ મર્યાદિત છે ત્યારે આ કોલેજ મહત્વની બની રહેશે જ્યાં વેટરનરી સાયન્સમાં ડિપ્લોમા કોર્સીસ કરાવવામાં આવશે.
આ કોલેજમાંથી અનેક વેટરનરી ડોક્ટરો તૈયાર થશે, જે વેટરનરી ડોક્ટર્સની અછત ઓછી કરશે અને પ્રાણીસેવા માટે આ કોલેજ એક મોટું શૈક્ષણિક માધ્યમ બની રહેશે. ત્યારબાદ શ્રી ભાગવતે મલ્ટી-સ્પેશિયાલિટી શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા યોજાયેલ ‘સર્વરોગ નિદાન અને સારવારના મફત સેવાયજ્ઞ’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ સેવાયજ્ઞમાં આશરે ૨૫૦૦૦થી પણ વધુ આદિવાસી અભાવગ્રસ્ત દર્દીઓ મફત તપાસ અને સારવારનો લાભ પામશે.
આ સેવાયજ્ઞમાં દુનિયાભરમાંથી ૨૦૦ થી વધુ નિષ્ણાંત ડોક્ટરો અને ૪૦૦થી વધુ સ્વયંસેવકોએ ભાગ લઇ રહ્યા છે. આ ઉદ્ઘાટન સમારોહમાં શ્રી ભાગવતના હસ્તે વિકલાંગ દર્દીઓને આવશ્યક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમના શુભ હસ્તે ૪ મેડિકલ આઉટરીચ એમ્બ્યુલન્સનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.