ગુજરાત એલર્ટ । વલસાડ
વાપીના ચણોદ ગામના વિવેકાનંદ નગરમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા અને વિવેકાનંદ ચોકની તકતીનું અનાવરણ રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, રામકૃષ્ણ પરમહંસ અને મા શારદાદેવીએ સ્વામી વિવેકાનંદજીનું ઘડતર કર્યુ હતું. વિવેકાનંદજીની સિધ્ધિ પાછળ તેમનું અમૂલ્ય યોગદાન હતું. તેમનું મૂળ નામ નરેન્દ્ર હતું. તેમના વિચારો આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીમાં ઉતર્યા છે. તેમના વિચારો સાંભળી દેશભકિતની ભાવના જાગે છે. સ્વામી વિવેકાનંદ સરસ્વતી, શહિદ ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝે દેશ માટે જે કામ કર્યુ હતું તે કામ આજે નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. જયશ્રી રામના નારા સાથે આજે સમગ્ર ભારત જ નહીં પરંતુ વિશ્વ પણ ગુંજી ઉઠ્યું છે. જેનો શ્રેય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહને ફાળે જાય છે. વધુમાં મંત્રીશ્રીએ આપણા દેશના સમૃધ્ધ વારસાને આગળ લઈ જવાનું જણાવી આગામી દિવસોમાં આ વિસ્તારનો હજુ ઘણો વિકાસ થશે એવી ખાતરી આપી હતી.
વલસાડ અને ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલે સ્વામી વિવેકાનંદજીના જીવન અંગે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં વિકાસના કામોની વણજાર ચાલી રહી છે. રસ્તાના કામો, પાણીની ટાંકી સહિતના કામો થઈ રહ્યા છે. વાપીના ડુંગરામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહ્યું છે. જેથી આ વિસ્તાર ચલાને પણ પાછળ છોડી આગળ નીકળી જશે.
આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ યુવા મંચના માર્ગદર્શક ધીરજ શર્માએ જણાવ્યું કે, ઘણા લાંબા સમયથી વિવેકાનંદ નગરમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા અને ચોકના નામ માટેની માંગણી હતી જે આજે સંતોષાઈ છે. જે બદલ ખુશી અનુભવીએ છે. કાર્યક્રમમાં વાપી નોટીફાઈડ એરિયાના ચેરમેન હેમંતભાઈ પટેલ, નોટીફાઈડ એરિયાના ચીફ ઓફિસર દેવેન્દ્ર સગર, આરએમ કુલદિપ સોલંકી, વાપી મામલતદાર કલ્પના પટેલ, વાપી પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, ચીફ ઓફિસર શૈલેષ પટેલ, કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ, પ્રદેશ સંગઠન યુવા મંત્રી ભાવિકા ઘોંઘારી અને સ્વામી વિવેકાનંદ યુવા મંચના સંયોજક ગણપતસિંહ રાઠોડ સહિત યુવા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિરાજ દક્ષિણીએ કર્યુ હતું.