ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના પારડી ખાતે પંડિત સાતવળેકર સ્થાપિત સ્વાધ્યાય મંડળ ખાતે સંસ્કૃત ભાષાની ઉન્નતિ અને સંવર્ધનમાં નવી શિક્ષણનીતિ અંગે સંસ્કૃતપ્રેમી શિક્ષકોનો ‘નવી શિક્ષણનીતિ અને સંસ્કૃત: સંકલ્પના અને પડકાર’ વિષય પર પરિસંવાદ યોજાયો હતો.
પરિસંવાદના અધ્યક્ષ સ્થાનેથી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. સુકાંતકુમાર સેનાપતિએ સંસ્કૃતનું મહત્વ સમજાવી નવી શિક્ષણનીતિમાં સ્વાધ્યાય, પ્રયોગ, પ્રશિક્ષણ અને અધ્યયન દ્વારા સંસ્કૃત શિક્ષણને સમય અનુસાર લોકભોગ્ય અને બોધગમ્ય બનાવવા આવાહન કર્યું હતું. અતિથિવિશેષ તરીકે પૂર્વકુલપતિ અને વર્તમાનમાં સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના લોકપાલ ડો. સંજીવભાઈ ઓઝાએ સંસ્કૃત માત્ર ભાષા જ નહિ પણ ભારતનો આત્મા હોવાનું જણાવી સંસ્કૃત પાઠશાળાઓને ગુણવત્તાયુક્ત શુદ્ધ શિક્ષણ માટેનો પડકાર ઝીલવા અનુરોધ કર્યો હતો. સંસ્કૃત પાઠશાળા ગઈકાલ, આજ અને આવતીકાલ અંગે સંસ્કૃત પાઠશાળા મંડળના પ્રમુખ અશોક જોષીએ સંસ્કૃત અને સંસ્કૃતિનું જતન કરતી પાઠશાળાઓ ગઈકાલે પણ હતી, આજે પણ છે અને ભવિષ્યમાં પણ નવીનીકરણ સાથે સંવર્ધિત રહેશે એવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી.
શિક્ષણનીતિની સંકલ્પના અને પડકાર અંગે ડો. પંકજ રાવલે જણાવ્યું કે, શ્રીરામ અને શ્રીકૃષ્ણના દેશમાં આજે આપણે સંસ્કૃત નીતિ અંગે ચર્ચા કરવી પડે એ દુઃખદ છે. ભારતને ભારતીયતાની યાદ દેવડાવવા માટે શિક્ષણનીતિમાં સંસ્કૃત ખૂબ મહત્ત્વનું બની રહ્યું છે એ આવકાર્ય અને હર્ષની વાત છે. સંસ્કૃત તજજ્ઞો પાસે દેશ અપેક્ષા રાખે છે. અધ્યાત્મ જગતમાં આજે પણ ભારત વિશ્વગુરુ જ છે. વાસ્તવમાં નવી શિક્ષણનીતિ આહ્વાન કે પડકાર નહીં, પણ અવસર છે. સમાપન ઉદબોધનમાં મૂર્ધન્ય સંસ્કૃતજ્ઞ અને સ્વાધ્યાય મંડળના ટ્રસ્ટી સ્વામી અક્ષયાનંદ સરસ્વતીએ સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિનો પરસ્પર સંબંધ સમજાવી સૌને દાયિત્વ બોધ પ્રત્યે જાગ્રત બની સંસ્કૃતનું સંરક્ષણ, વેદના રક્ષણ માટે શાસ્ત્રની યથાર્થ સમજ દ્વારા સૌ રાષ્ટ્ર પત્યે કૃતાર્થ બનીએ એવી હાકલ કરી હતી.
આ પરિસંવાદમાં રાજ્યભરની ૧૦ પાઠશાળાના અગ્રણી, સંસ્કૃત શિક્ષકો, સંસ્કૃતપ્રેમી નગરજનો અને સ્નાતક કક્ષાના ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાધ્યાય મંડળના કાર્યાધ્યક્ષ ડો. પ્રતાપ વિ. ઠોસરે સ્વાગત પ્રવચન કર્યું હતું. સમગ્ર પરિસંવાદનું સંયોજન અને સંચાલન મેહુલ મહેતાએ કર્યું હતું.