ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ એસ. ટી. વિભાગ ખાતે રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ ૨૦૨૫ અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ એસટી વિભાગના છ ડેપો google મીટના માધ્યમથી વર્ચ્યુઅલ જોડાયા તેમજ વિભાગીય કચેરી તથા વિભાગીય યંત્રાલયના કર્મચારીઓ સહિત ૬૦૦ કર્મચારીઓ પ્રત્યક્ષ જોડાયા હતા.
આ સેમિનારમાં 108 અને શ્રમયોગી કલ્યાણ બોર્ડની મોબાઈલ હેલ્થ યુનિટના માધ્યમથી અકસ્માતમાં પ્રાથમિક સારવારની તાલીમ તથા એમ્બ્યુલન્સના સાધનોની જાણકારી સાથે માર્ગ અકસ્માતમાં તબીબી સહાયના વિષય અન્વયે વિવિધ વ્યાખ્યાનમાળા સહિત કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ૨૦૨૫માં નિવૃત્ત થનાર અને પોતાની ત્રીસ વર્ષથી વધુ ની નોકરી દરમિયાન એક પણ ટિકિટ અંગેનો ગુનો ન ધરાવતા કંડકટર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી 108 ના COO શ્રી જશવંત પ્રજાપતિએ જણાવ્યું કે, 108 એ ફક્ત એમ્બ્યુલન્સ નથી પરંતુ જીવન બચાવવા માટેનું કરુણા સાથે સંવેદનાયુક્ત અભિયાન છે, સાથે સાથે 108 અને મોબાઈલ હેલ્થ યુનિટ સાથે સંલગ્ન અન્ય સેવાઓનું ડેમોસ્ટ્રેશન કરી તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
વિભાગીય નિયામકશ્રી એન.એસ.પટેલ દ્વારા અનુસાશન સહિત સમાજિક માળખુ અને પ્રાથમિક સારવાર અંગેની તાલીમનું જીવનમાં મહત્વ સમજાવી કાર્યક્રમની રૂપરેખા સહિત મહાનુભાવોને આવકાર્યા હતા.
આ પ્રંસગે પશુ પક્ષીઓ માટેના કરૂણા અભિયાન હેલ્પલાઈન નં. ૧૯૬૨ના પ્રોજેક્ટ હેડ ડો. મુકેશભાઈ ચાવડા, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના ૧૦૮ પ્રોજેક્ટના મેનેજર શ્રી કમલેશભાઈ પઢીયાર અને અમદાવાદની એલ.ડી આર્ટસ કોલેજના એડમિનિસ્ટ્રેટર સી બી પ્રજાપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નવસારીના ડેપો મેનેજર કે.એસ.ગાંધીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું જ્યારે આભારવિધિ વિભાગીય યાંત્રિક ઇજનેર એન.એફ.સિંધીએ કરી હતી.