ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ નું મતદાન સમગ્ર ગુજરાત રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં પણ ત્રીજા તબક્કામાં આગામી મે મહિનાની ૭મી તારીખે યોજાનાર છે. ત્યારે સમગ્ર વલસાડ જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેના ભાગરૂપે જનરલ ઓબ્ઝર્વર તરણ પ્રકાશ સિંહા(આઇએએસ)ની અધ્યક્ષતામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે ઈવીએમ મશીનનું બીજું ઈલેક્ટ્રોનિક રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના રાજકીય પાર્ટીના પ્રતિનિધીઓએ ઈલેક્ટ્રોનિક રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા પ્રત્યક્ષ નિહાળી હતી. અહીં ચાર વખત ઈવીએમ રેન્ડમાઈઝેશન કરી સમગ્ર પ્રક્રિયાને ફાઈનલાઈઝ કરવામાં આવી હતી.
બીજા ઈલેક્ટ્રોનિક રેન્ડમાઈઝેશનમાં કયા પોલિંગ બૂથ ખાતે કયા ઈવીએમ મશીનની ફાળવણી થશે એ અંતર્ગત રેન્ડમાઈઝેશન પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં પોલિંગ સ્ટેશન ખાતે બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટના સેટની કયા પોલિંગ બૂથ ખાતે ફાળવણી કરવામાં આવશે તે અંગે રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા કરવામાં આવી હતી.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહે રેન્ડમાઈઝેશન દરમિયાન જિલ્લાના દરેક વિધાનસભા મતવિસ્તારને તેના મતદાન મથકની સંખ્યાના ૧૨૫% લેખે બેલટ યુનિટ, ૧૨૫% લેખે કન્ટ્રોલ યુનિટ અને ૧૩૫% લેખે વીવીપેટ ફાળવણી વિશે જણાવ્યું હતું. પોલિંગ બૂથોને રિઝર્વ્ડ યુનિટોની ફાળવણીને કારણે કોઈ મશીનોમાં કોઈ ખામી સર્જાય તો પણ વધારાના યુનિટો દ્વારા વોટિંગની પ્રક્રિયા ચાલતી રહેશે. કોઈપણ સંજોગોમાં વોટિંગની પ્રક્રિયામાં અવરોધ આવે નહિ તેની કાળજી રાખવામાં આવી છે.
રેન્ડમાઇઝેશનની પ્રક્રિયામાં કાયદો અને વ્યવસ્થા, બેલેટ અને ડમી બેલેટ પેપરના નોડલ – વ -નિવાસી અધિક કલેક્ટરશ્રી એ.આર. ઝા, ઇવીએમના નોડલ અધિકારી –વ- નાયબ નિયામક હોર્ટિકલ્ચર એન.એન.પટેલ, પ્રોબેશનરી આઈએએસ, ચૂંટણી સંબંધિત અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.