ગુજરાત એલર્ટ । વલસાડ
અવસર લોકશાહીનો એટલે કે આગામી તા. ૭ મે ના રોજ ૨૬- વલસાડ બેઠક પર લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ માટે મતદાન થનાર છે, લોકશાહીના આ મહાપર્વમાં વધુમાં વધુ મતદાન થાય એવા શુભ આશય સાથે વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શોરૂમ, દુકાન તેમજ હોટલ માલિકો સાથે બેઠકો યોજી મતદારો માટે વિવિધ આકર્ષક સ્કીમ અમલમાં મુકવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા માટે વધુમાં વધુ મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી – વ – જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ સ્વીપ મેનેજમેન્ટ કમિટી અને જિલ્લાના વિવિધ વિભાગના નોડલ અધિકારીઓ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદાર જાગૃતિ માટે નીતનવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેથી વધુમાં વધુ મતદાન થઈ શકે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નવતર અભિગમ હેઠળ વલસાડ શહેરમાં આવેલા કપડાના બે શો રૂમ માલિકો દ્વારા મતદારો માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર રાખવામાં આવી છે. જેમાં એક શો રૂમ દ્વારા ‘‘તમારો વોટ બનશે ભાગ્ય વિધાતા’’ ટેગલાઈન સાથે મતદારો માટે જાહેરાત કરવામાં આવી છે કે, તા. ૭ મે ૨૦૨૪ના રોજ મતદાન કરો અને ૭ ટકા ડિસ્કાઉન્ટ મેળવો, જ્યારે અન્ય એક શો રૂમ દ્વારા ‘‘અમે પણ મતદાનની સાથે’’ ટેગલાઈન દ્વારા તા. ૭ મે ૨૦૨૪ના રોજ મતદાન કરો અને ૧૪ ટકા ડિસ્કાઉન્ટ મેળવોની સ્કીમ ઓફર કરવામાં આવી છે.
આ સિવાય વાપી વીઆઈએ ગ્રાઉન્ડની સામે આવેલી એક હોટલ દ્વારા ‘‘વોટ ઈન્ડિયા’’ની ટેગલાઈન સાથે મતદાનના દિવસે ફક્ત મતદાનની શ્યાહી વાળી આંગળી બતાવો અને ૧૮ ડિસ્કાઉન્ટ મેળવો તેમજ સાથે ખાદ્ય સામગ્રીની ૭ આઈટમ પણ ફ્રીમાં આપવામાં આવશે એવી ઓફર આપવામાં આવી છે. આ મુજબ અનેક વિધ સ્થળોએ મતદારોને આકર્ષવા માટે વિવિધ સ્કીમની ઓફર આપવામાં આવી છે. લગ્ન સમારોહમાં પણ દરેક મત છે, મહત્વનો. સૌની ભાગીદારી એ લોકશાહીનો પાયો છે એવા બેનર જોવા મળી રહ્યા છે. કોલેજોમાં યુવા મતદારોને જાગૃત કરવા માટે સેલ્ફી સ્ટેન્ડ લગાવવામાં આવ્યા છે. જેને પગલે સમગ્ર વલસાડ જિલ્લામાં ઠેર ઠેર લોકશાહીના આ અનેરા અવસરને આવકારવા માટે હર કોઈ મતદાર આતુર હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે.