ગુજરાત એલર્ટ । નવી દિલ્હી
ઈઝરાયેલ અને હમાસ આતંકી સંગઠન વચ્ચેનું યુદ્ધમાં બન્ને તરફથી સામસામે રોકેટ અટેક, ગોલાબારી અને ગોળીઓ છુટી રહી છે. ઇઝરાયેલે વળતો હુમલો કર્યો છે અને ગાઝા પટ્ટી વિસ્તારમાં સેંકડો ઠેકાણાઓને પોતાની નિશાન બનાવીને તેના પર ઘાતક હુમલો કર્યો. ઈઝરાયેલે કરેલા આ ઘાતક હુમલાથી સમગ્ર વિસ્તારમાં ભારે જાનમાલનું નુકસાન થયુ જેનાથી મોટાપાયે વિનાશ થયો છે. બંને તરફના સામાન્ય લોકોને આ યુદ્ધની ભારે કિંમત ચૂકવવી પડી રહી છે.શનિવારે વહેલી સવારે ઇઝરાયેલ પર હમાસના સૌથી મોટા હુમલા બાદ આ લડાઈએ વિનાશક યુદ્ધનું સ્વરૂપ ધારણ કરી લીધું અને બન્ને તરફથી ત્યાર બાદ ભીષણ લડાઈ ચાલુ છે. હવે ઈઝરાયેલ એક બાદ એક ઘાતક પ્રહાર કરીને વળતો જવાબ આપી રહ્યું છે.
હમાસનો દાવો છે કે તેણે ઈઝરાયેલ 100થી વધુ લોકોને બંધક બનાવ્યા છે. જેમાં મોટાભાગની યુવતીઓનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ ઇઝરાયલે હમાસના 600 થી વધુ ઠેકાણાઓને નષ્ટ કરવાનો દાવો પણ કર્યો હતો. ઇઝરાયેલ સરકારના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ઓછામાં ઓછા 900 ઇઝરાયેલના મોત થયા છે, જેમાંથી મોટાભાગના નાગરિકો હતા. અન્ય 2,150 ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વિદેશી નાગરિકો પણ આ યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે. આ હુમલામાં 4 અમેરિકન નાગરિકો માર્યા ગયા હતા. આ ઉપરાંત ઈઝરાયેલમાં રહેતા નેપાળના 10 અને થાઈલેન્ડના 2 વિદ્યાર્થીઓએ પણ જીવ ગુમાવ્યા હતા. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે હમાસ દ્વારા અણધાર્યા હુમલાના જવાબમાં ગાઝા પટ્ટી પર ઇઝરાયેલનો જંગી હુમલો ‘હમણાં જ શરૂ થયો છે’. “અમે હમાસ પર હુમલો કરવાનું શરૂ કર્યું છે,” નેતન્યાહુએ રાષ્ટ્રીય ટેલિવિઝન સંબોધનમાં કહ્યું. આવનારા દિવસોમાં આપણે આપણા દુશ્મનો માટે જે કંઈ પણ કરીશું, તેની પડઘો ઘણી પેઢીઓ સુધી સંભળાશે.
અમેરિકાના સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટીને નૌકાદળના ‘ફોર્ડ કેરિયર સ્ટ્રાઈક ગ્રૂપ’ને પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં ઈઝરાયેલની મદદ કરવા તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. હમાસે ઈઝરાયેલને અમેરિકન મદદ પર પણ નિવેદન આપ્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે અમે યુએસ એરક્રાફ્ટથી ડરતા નથી.