સરીગામ બાયપાસ અને પુનાટ કાલય માર્ગ નું રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું: બાયપાસના બિસ્માર રસ્તાથી પરેશાન લોકો અને વાહન ચાલકોને રાહત મળશે

ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્યના નાણાં ,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે આજરોજ સરીગામ બાયપાસ અને સરીગામ ડુંગર પુનાટ કાલય માર્ગ નું ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે લોકોની મોટી હાજરી જ બતાવે છે કે આ રસ્તાની કેટલી જરૂરિયાત હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઉમરગામ ભીલાડ રોડ પણ ખરાબ થઈ રહ્યો છે આ રસ્તો લાંબો સમય ટકે તે માટે તથા વરસાદને ધ્યાનમાં લઇ બંને બાજુ ગટર પણ બનાવવામાં આવી રહી છે.

રોડ બનાવવાની સમય મર્યાદા ભલે નવ મહિના ની હોય પણ આ રસ્તો વહેલી તકે ચોમાસા પહેલા ૨૦ એપ્રિલ સુધીમાં બનાવવ માટે એજન્સીને અને અધિકારીને આ તબક્કે મંત્રીએ સૂચના આપી હતી. સરીગામ જીઆઇડીસી ને જોડતો અતિ મહત્વનો ગણાતો સરીગામ બાયપાસ રોડ રૂપિયા ૧૦.૫૬ કરોડના ખર્ચે ૨.૪ કિ.મી તથા સરીગામ ડુંગર પુનાટ કાલય રોડ રૂપિયા ૪.૮૧ કરોડ ના ખર્ચે ૧૨ કિ.મી. નવો બનશે.

આ કાર્યક્ર્મમાં તાલુકા પંચાયત પ્રમુખ લલીતાબેન દુમાડા, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ભરત જાધવ, જિલ્લા પંચાયતના સદસ્યો મુકેશ પટેલ, દીપક મિસ્ત્રી,એસ. આઇ. એ. ના પ્રમુખ નિર્મળ દુધાની, સેક્રેટરી કૌશિક પટેલ,માજી પ્રમુખ શિરીષ દેસાઇ સહિત મહાનુભાવો તથા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ ના કાર્યપાલક ઇજનેર જતીન પટેલ, સરીગામ નોટીફાઇડના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!