ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાતની 33મી શાસ્ત્રીય સંસ્કૃત સ્પર્ધા, દ્વારકા ભૂમિમાં સંપન્ન થઈ. રાજ્ય કક્ષાની આ સંસ્કૃત સ્પર્ધામાં સ્વાધ્યાય મંડળ, કિલ્લા પારડીના પંડિત સાતવળેકર સંસ્કૃત મહાવિદ્યાલયના સપ્તઋષિ કુમારોએ નેત્રદીપક વિજય સાથે ઝળહળતો દેખાવ કર્યો હતો. સંસ્કૃતના વિવિધ શાસ્ત્રીય ગ્રંથોની કસોટી પૈકી અમરકોશ, ભગવદગીતા, રામાયણ, શ્લોક કંઠપાઠ, સંસ્કૃત અંત્યાક્ષરીની સ્પર્ધામાં ઋષિ કુમારોએ ગુજરાતમાં સાત અગ્ર ક્રમાંક પ્રાપ્ત કરી પ્રતિભા ઝળકાવી હતી.
આ વિજેતા સ્પર્ધકોમાં સર્વશ્રી હિમેશ જાની કાવ્યકંઠ પાઠ પ્રથમ, મોહિત ત્રિવેદી રામાયણ કંઠપાઠ પ્રથમ, વિશાલ વાળાગંર ઉપનિષદમાં દ્વિતીય, અમરકોશ, ગીતા, અર્થશાસ્ત્ર શલાકા અને સુભાષિત કંઠ પાઠમાં દર્શન જાની, પરીક્ષિત જાની, ભાગવત જાની અને રુદ્ર જાનીએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરી સ્વાધ્યાય, નિષ્ઠા અને અગ્રેસરતા સાથે સંસ્કૃત જગતમાં ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
રાજ્ય કક્ષાએ અગ્રસિદ્ધિ પ્રાપ્ત કરનાર ઋષિકુમારો સહિત સહભાગી સર્વે ઋષિ કુમારોને સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય અને માર્ગદર્શક પાર્થ ભટ્ટે અભિનંદન અને સાશિષ શુભેચ્છા પાઠવી હતી. સ્વાધ્યાય મંડળ અને સંસ્કૃતપ્રેમી ગુણાનુરાગી સૌએ ઋષિકુમારોના ઉત્તમ ભવિષ્યની કામના સાથે સહર્ષ શુભકામનાઓ પાઠવી હતી.