ગુજરાત એલર્ટ | વલસાડ
સમગ્ર દેશ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા કપરાડા તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ પ્રદેશમાં વસતા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવી પોતાના પરિવાર તેમજ અન્ય લોકોને પણ તંદુરસ્ત જીવન પુરૂ પાડવાના પરોપકારી કાર્યમાં જોડાયા છે. વાત છે, કપરાડા તાલુકામાં ડુંગર પર આવેલા કોલવેરા ગામના આદિવાસી ખેડૂત લાહનુભાઈ ખંડુભાઈ ધૂમની, કે જેઓ ડુંગર ઉપર પણ અનેક વિષમ પરિસ્થિતિઓને માત આપી સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરી અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.
કપરાડાના કોલવેરા ગામના પટેલ ફળિયામાં રહેતા પ્રગતિશીલ ખેડૂત લાહનુભાઈ ધૂમ જણાવે છે કે, મારી સાત એકર જમીન પર હું શક્કરીયા, મકાઈ, સરગવા, તુવેર, મગફળી, આંબઈ, આંબા કલમ, મગ, ચણા, વાલ અને ચોળીના પાકની ખેતી કરૂ છું. દાયકાઓ પહેલા અમે રાસાયણિક ખેતી કરતા હતા પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતા અમને પણ પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા મળી હતી. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની ઝુંબેશ આદરી છે. સાથે જ આત્મા પ્રોજેક્ટ દ્વારા ગામે ગામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે સીધુ માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં હું પણ જોડાયો અને સ્વાસ્થ્યવર્ધક પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. જેને પગલે આજે અમારા ખેતરમાં પ્રાકૃતિક ખેતી દ્વારા સમૃધ્ધ ખેતી થઈ રહી છે. મારી આર્થિક આવક પણ વધતા જીવન ધોરણમાં સુધારો આવ્યો છે. હાલમાં શક્કરીયાની ખેતી એક એકર જમીન પર કરી છે. જે ૮૦૦ રૂપિયે મણના ભાવે વેચાય છે. વર્ષમાં બે વાર પાક લઉં છું. નાનાપોંઢા માર્કેટ ખાતે ખેતપેદાશનું વેચાણ પણ સારા ભાવે થતા પાક વેચાણ અંગે માર્કેટની પણ ચિંતા રહેતી નથી.
વધુમાં લાહનુભાઈ કહે છે કે, ખેતીના પાકમાં રાસાયણિક ખાતરનો છંટકાવ સંપૂર્ણપણે બંધ કરી હું જાતે જ ઘરે જીવામૃત અને ઘન જીવામૃત બનાવુ છું. પાકમાં કોઈ જીવાત પડે તો તેના નાશ માટે જાતે જ અગ્નિઅસ્ત્ર અને નિમાસ્ત્ર પણ જાતે બનાવી છંટકાવ કરૂ છું. જે અંગે આત્મા પ્રોજેક્ટ દ્વારા પારડીના ખેડૂત તાલીમ કેન્દ્ર અને વઘઈ ખાતે કિસાન ગોષ્ઠીમાં તાલીમ પણ આપવામાં આવી હતી. અંભેટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પણ પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી મબલખ પાક કેવી રીતે લઈ શકાય તે માટે વખતોવખત વિશેષ માર્ગદર્શન પણ આપવામાં આવે છે. ડુંગરાળ પ્રદેશમાં જમીન સમતલ ન હોવાથી ચોમાસાનું પાણી વ્યય થઈ જતા વર્ષ દરમિયાન નદીના પાણીથી ખેતી કરીએ છે.
રાજ્ય સરકાર દ્વારા મોડલ ફાર્મ માટે રૂ. ૧૩,૫૦૦ની સહાય પણ મળી હતી. આ સિવાય દેશી ગાયના નિભાવ માટે દર મહિને રૂ. ૯૦૦ની સહાય પણ મળે છે. પ્રાકૃતિક ખેતીમાં આપેલા યોગદાન બદલ રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાનો બેસ્ટ ફાર્મર એવોર્ડથી મારૂ સન્માન પણ કરવામાં આવ્યુ હતું. જેથી પ્રાકૃતિક ખેતીમાં વધુમાં વધુ પ્રગતિ કરી અન્ય ખેડૂતો પણ રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળે તે દિશામાં કાર્ય કરવાનો ઉત્સાહ વધ્યો અને પ્રેરકબળ પણ મળ્યુ છે. જે બદલ હું રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરૂ છું.