ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં જૂની આરટીઓ ચેક પોસ્ટ નજીક કપરાડા- નાસિક રોડ પર રૂ. ૧૫૮.૧૨ લાખના ખર્ચે નિર્માણ થયેલી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરીના નવનિર્મિત મકાનનું શુક્રવારે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવીન કચેરીના લોકાર્પણથી કપરાડા તાલુકાના ૪૩ અને ધરમપુર તાલુકાના ૬ ગામના અંદાજે ૨૦૦૭૮ ગ્રાહકોને ફાયદો થશે.
આ લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની શાસન ધુરા સંભાળી ત્યારથી ગામડાઓમાં ૨૪ કલાક વીજળી મળે તે માટે જયોતિ ગ્રામ યોજના અમલમાં મુકી આજે ઘરે ઘરે વીજળી ઉપલબ્ધ છે. દેશ આઝાદ થયા બાદ ૧૮૦૦૦ ગામડામાં વીજળી ન હતી જે વીજળી આપવાનું કામ મોદીજીએ પૂર્ણ કર્યુ છે. જીવન જીવવા માટે વીજળી અને પાણી અત્યંત જરૂરી છે. જે માટે સરકાર સતત કાર્યરત છે. પહેલા વીજળી કનેકશન ૮- ૧૦ વર્ષે મળતા હતા હવે માત્ર ૩ માસમાં જ અને ઓછા ખર્ચે મળે છે. વર્ષ ૨૦૦૨માં ૪ સબ સ્ટેશન હતા અત્યારે ૫૮ છે અને નવા ૧૨ સબ સ્ટેશન બનવા જઈ રહ્યા છે. હાલમાં જ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ સમગ્ર દેશમાં વીજળી માટે ૩ લાખ કરોડ મંજૂર કર્યા હતા. જેમાંથી ગુજરાતને ૨૩ હજાર કરોડ ફાળવ્યા છે અને તેમાંથી વલસાડ જિલ્લાને ૪ હજાર કરોડ રૂપિયા વીજ ક્ષેત્રે આધુનિકરણ માટે ફાળવાયા છે. જેમાંથી ટ્રાન્સફોર્મર, અંડર ગાઉન્ડ વીજ લાઈન તેમજ સબ સ્ટેશન સહિતની કામગીરી કરાશે જેથી પ્રજાજનોને ગુણવત્તાસભર અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહેશે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, આજે સમગ્ર વિશ્વ ક્લાઈમેટ ચેન્જનો સામનો કરી રહ્યુ છે ત્યારે દીર્ઘદ્રષ્ટા મોદીજીએ વર્ષ ૨૦૭૦ સુધીમાં ભારતમાં ઝીરો કાર્બન ઉત્સર્જનનો લક્ષ્યાંક આપ્યો છે. સોલાર ઊર્જામાં સમગ્ર દેશ આગળ વધી રહ્યો છે જેમાં ગુજરાત નંબર વન છે. સરકાર સબસીડી પણ આપી રહી છે. વીજળી બીલ પણ ઝીરો આવે છે અને સામેથી પૈસા પણ મળે છે. જેથી વધુમાં વધુ લોકોને રીન્યુએબલ એનર્જી તરફ વળવા માટે મંત્રીશ્રીએ પ્રોત્સાહિત કર્યા હતા.
લોકાર્પણ સમારોહ પ્રસંગે કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, પહેલાના સમયમાં ૧૬૫ કિમી દૂરથી વીજળી લાવવી પડતી હતી. પરંતુ વડાપ્રધાનશ્રીએ જયોતિગ્રામ યોજના અમલમાં મુકતા ઘરે ઘરે ૨૪ કલાક વીજળી હવે મળી રહે છે. ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તારમાં ૭ થી ૮ ગામ વચ્ચે નવા ૬૬ કેવી સબ સ્ટેશન બની રહ્યા છે. કચેરીના નવા મકાન બની રહ્યા છે. લોકોને પુરેપુરા વોલ્ટ પાવર સાથે વીજળી મળી રહી છે. જે બદલ આપણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. સ્વાગત ગીત અને પ્રાર્થના રજૂ કરનાર કપરાડાની એકલવ્ય મોડલ સ્કૂલની બાળાઓને મંત્રીશ્રીના હસ્તે પ્રોત્સાહનરૂપે ધનરાશિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન માહલા, જિલ્લા પંચાયતના સભ્ય મીનાક્ષીબેન ગાંગોડા, કપરાડા તાલુકા વિકાસ અધિકારી (આઈએએસ) પ્રશન્નજીત કૌર, કપરાડાના સરપંચ શાંતિબેન મહુડકર, ધરમપુર- કપરાડા તાલુકાના વીજ કંપનીના કાર્યપાલક ઈજનેર બેલાબેન જેટલી, વલસાડ ગ્રામ્યના કાર્યપાલક ઈજનેર સ્વાતિબેન પટેલ, કપરાડા પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેર બી.આર.પટેલ અને કપરાડા તાલુકા સંગઠન પ્રમુખ રમેશ ગાવિત સહિત અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચન વીજ કંપનીની સુરત કોર્પોરેટ ઓફિસના ચીફ એન્જિનિયર એમ.જી. સુરતીએ કર્યું હતું. જ્યારે આભારવિધિ વલસાડ વીજ કંપનીના અધિક્ષક ઈજનેર પી.જી.પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધરમપુર વીજ કંપનીના જુનિયર એન્જિનિયર એન. એચ. કાપડીયાએ કર્યું હતું.
૧૬ ફીડરોની એચટી અને એલટી લાઈનનું સંચાલન અને નિભાવ આ નવી કચેરી દ્વારા થશે
વર્ષ ૨૦૧૫ થી ભાડાના મકાનમાં કાર્યરત કપરાડા પેટા વિભાગીય કચેરીનું નવું મકાન ૪૨૭.૫૦ સ્કવેર મીટર એરિયામાં નિર્માણ થતા ઘર વપરાશના ૧૭૩૧૫ ગ્રાહકો, વાણિજ્યનાં ૯૧૫ ગ્રાહકો, એચટી ઔદ્યોગિકના ૧૨, ખેતીવાડીના ૬૭૯, વોટરવર્ક્સના ૪૯૬ અને અન્ય ૩૧૩ મળી કુલ ૨૦૦૭૮ વીજ ગ્રાહકો લાભન્વિત થશે. આ સિવાય ૬૬ કેવીના કપરાડા સબ સ્ટેશનના ૯ ફીડર, અસ્ટોલ સબ સ્ટેશનના ૫ ફીડર અને પાનસ સબ સ્ટેશનના ૨ ફીડર મળી કુલ ૧૬ ફીડરને આવરી લેતી એચટી લાઇન ૬૯૪.૯૬ કિમી, એલટી લાઇન ૧૦૫૭.૭૨ કિમી તથા ૧૨૩૭ ટ્રાન્સફોર્મરનું સંચાલન અને નિભાવ કપરાડા પેટા વિભાગીય કચેરીથી કરવામાં આવશે.
અતિ મહત્વપૂર્ણ અસ્ટોલ યોજનાને હવે ભારે દબાણવાળો વીજ પુરવઠો મળી રહેશે
કપરાડા અને ધરમપુર તાલુકામાં પીવાનું પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકારની મહત્વલક્ષી અસ્ટોલ જૂથ યોજના માટે ભારે દબાણવાળો વીજપુરવઠો કપરાડા પેટા વિભાગીય કચેરી દ્વારા અવિરત પૂરો પાડવામાં આવશે.
આ નવીન કચેરીમાં વિજલક્ષી સેવા માટે આવતા ગ્રાહકોને પાર્કિંગ, બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી અને ટોયલેટ જેવી પાયાની સુવિધા મળી રહેશે. આ કચેરીમાં એક નાયબ ઈજનેર સહિત ૧૭ ઓફીસ સ્ટાફ અને ૩૦ લાઇન સ્ટાફના કર્મચારીઓને જરૂરિયાત મુજબ માળખાકીય સુવિધા ઓફિસમાં મળી રહેશે જેથી ગ્રાહકલક્ષી સેવામાં વધારો થશે. ગ્રાહકોને કેશબારી પર વીજ બીલની ચુકવણીમાં સરળતા રહેશે સાથે વીજ પુરવઠો સાતત્યપૂર્ણ અને ઉચ્ચ ગુણવત્તાવાળો મળી રહેશે. કપરાડા તાલુકાના ગ્રાહકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના, ખેતીવાડી માટે પીએમ- કુસુમ, બી- સોલાર પંપ સેટ યોજના, પીએમ જનમન, પીએમ જુગા, કુટિર જ્યોત યોજના, ટીએએસપી યોજના સહિતની વિવિધ યોજનાના લાભો વધુ સરળતાથી મળી રહેશે જેથી તાલુકાના વિકાસને વધુ વેગ મળશે.