ગુજરાત એલર્ટ । વલસાડ
પારડી અને વાપી તાલુકાને જોડતા મોરાઈ વટાર મુખ્ય રસ્તાથી બગવાડાને જોડતા રોડ પર કોલક નદી ઉપર મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ. ૧૧ કરોડના ખર્ચે નિર્માણ થનારા મોટા પુલનું ખાતમુહૂર્ત રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ગ્રામજનોને સંબોધન કરતા જણાવ્યું કે, વટાર ગામ દમણ સાથે જોડાયેલું છે. આ પુલથી કનેક્ટિવીટી વધશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકે સુકાન સંભાળ્યું ત્યારથી વિકાસની રાજનીતિ શરૂ થઈ હતી. પહેલાના સમયમાં ભાષાવાદ, પ્રાંતવાદ અને જાતિવાદની રાજનીતિ કરી લોકોને ભડકાવવામાં આવતા હતા પરંતુ વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, મારા માટે ચાર જ જાતિ છે, યુવા, મહિલા, ગરીબ અને અન્નદાતા તરીકે ખેડૂતો. તેઓના વિકાસ માટે સારામાં સારા કાર્યો થઈ રહ્યા છે. હવેનો જમાનો વિકાસનો છે. ભારતના અર્થતંત્રને દુનિયામાં ત્રીજા નંબરે પહોંચાડાશે. જેનાથી રોજગારી વધશે, લોકોની આવક વધશે અને સગવડમાં વધારો થતા સુખાકારી વધશે.
ગુજરાતના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા બજેટ અંગે નાણાં મંત્રીશ્રીએ કહ્યું કે, ૨૫ ટકા વધારા સાથે રૂ. ૩ લાખ ૩૨ હજાર કરોડનું બજેટ ગુજરાતના વિકાસ માટે મંજૂર કરાયું છે. બજેટ પરથી ખ્યાલ આવે કે, સરકાર કઈ દિશામાં કામ કરી રહી છે. આ બજેટથી ખેતીવાડી, આરોગ્ય અને શિક્ષણ સહિતની વિવિધ પ્રજા કલ્યાણકારી સેવામાં વધારો કરાશે. અત્યાર સુધીની સરકારે ઈન્ટ્રીમ (વચગાળાનું) બજેટ રજૂ કર્યુ હતું પરંતુ ગુજરાત સરકારે ચૂંટણી હોવા છતાં અત્યાર સુધીનું સૌથી મોટુ બજેટ રજૂ કરી વિકાસ કાર્યોની ધુણી ધખાવી છે. સમગ્ર વિશ્વએ નરેન્દ્રભાઈને વિશ્વ નેતા તરીકે સ્વીકાર્યા છે ત્યારે આપણા સૌની જવાબદારી વધી જાય છે. બધાને સાથે લઈને ચાલવાનું છે. સૌએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની નેમ ધરાવી પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવાનું છે.
આ પ્રસંગે સાંસદશ્રી ડો. કે.સી.પટેલે પ્રાંસગિક ઉદબોધન કર્યુ હતું. કાર્યક્રમમાં પારડી તાલુકા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ, પારડી તાલુકા સંગઠનના પ્રમુખ મહેશભાઈ દેસાઈ સહિત આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પુલની ઉપયોગિતા પર એક નજર…
રૂ.૧૧ કરોડના ખર્ચે મોરાઈ વટાર મુખ્ય રસ્તાથી બગવાડાને જોડતા રોડ પર કોલક નદી ઉપર મોટા પુલની કામગીરી ૧૮ માસમાં પૂર્ણ કરાશે. આ નદી પર પુલ બનવાથી કુલ ૫ થી ૬ કિમીનું અંતર ઓછુ થશે. જેનો સીધો લાભ વટારથી બગવાડા તેમજ બંને બાજુના મોરાઈ, કુંતા, બલીઠા, તરકપારડી, સારણ, રેંટલાવ, ઉદવાડા, કિકરલા, તીઘરા અને કલસર ગામની ૩૮૫૦૩ વસ્તીને આર્થિક, વ્યવસાયિક તેમજ શૈક્ષણિક રીતે ખૂબ જ ઉપયોગી નીવડશે. પ્રવાસન સ્થળ તરીકે જાણીતા સંઘ પ્રદેશ દમણને પણ ગુજરાતના ને.હા. થી સીધી કનેક્ટિવીટી મળશે.