ગુજરાત એલર્ટ । ધરમપુર
શતાબ્દીઓથી જે ક્ષણની ભારતવાસીઓ ઉત્કંઠાથી રાહ જોઈ રહ્યા છે, તે ક્ષણના પડઘમ વાગી રહ્યા છે. અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રમાં 22 મી જાન્યુઆરીએ આયોજિત આ ‘પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ’ માં જોડાવા આધ્યાત્મિક આર્ષદ્રષ્ટા અને શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજી અને મિશનના વાઇસ પ્રેસિડેન્ટ આત્માર્પિત નેમિજીને, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આદરપૂર્વક નિમંત્રિત કરવામાં આવ્યા છે.
પૂજ્ય ગુરૂદેવશ્રી જેવા ભારતભરના અગ્રણી સંતોની ઉપસ્થિતિથી આ મહાન પ્રસંગની ગરિમા ઓર વર્ધમાન થઇ ઉઠશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક પ્રસંગે કહ્યું હતું કે, ‘વિશ્વભરમાં એક બહુ મોટો વર્ગ છે જે લગાતાર પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીના સત્સંગ સાંભળે છે અને હું તેમાંના ઘણાંને મળ્યો છું.’ એવા લાખો વૈશ્વિક લોકોને શાશ્વત સુખનો માર્ગ બતાવનાર પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીએ અનેક મહાન ગ્રંથો જેમ કે શ્રી યોગવાશિષ્ઠ મહારામાયણ, ભગવદ્ ગીતા, અષ્ટાવક્ર ગીતા, ઉત્તરાધ્યયન સૂત્ર, વિવેકચૂડામણિ, મોહમુદગર (ભજ ગોવિંદમ્) પર વાર્ષિક શિબિરો લઇ તેમના ગહન રહસ્યોને સરળ અને સચોટ ભાષામાં સમજાવ્યા છે. મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રી રામ પ્રત્યે અત્યંત અહોભાવ ધરાવતાં તેઓશ્રીએ 2019માં મહર્ષિ વાલ્મિકીજીકૃત શ્રી યોગવાશિષ્ઠ મહારામાયણ પર સંપૂર્ણ વર્ષ દરમિયાન શિબિરો લીધી હતી. અનેક પ્રવચનોમાં તેઓશ્રીએ ભગવાન રામ, સીતાજી અને હનુમાનજીના ગુણોની પ્રેરણા કરી છે. દરેક ધર્મમાં રહેલ સત્યને ગ્રહવાની તેમની વિશાળતા અને બિનસાંપ્રદાયિક દ્રષ્ટિના કારણે તેઓના પ્રવચનો આંતરરાષ્ટ્રીય શ્રોતાઓ સુધી પહોંચ્યા છે અને અનેક આંતરરાષ્ટ્રીય સભાઓમાં તેઓશ્રીને સન્માનવામાં આવ્યા છે.
પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજી શ્રી રામ મંદિરના ‘પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ’ માં સહભાગી બનવા તારીખ 21મીએ અયોધ્યા જવા પ્રસ્થાન કરશે. સંતોના આશીર્વાદ અને પાવન ઉપસ્થિતિ રાષ્ટ્રને ગૌરવવંત બનાવતાં આ પ્રસંગને દિવ્યતા બક્ષશે અને અવિસ્મરણીય બનાવશે.