ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ નગરપાલિકા દ્વારા પાલીહિલ વિસ્તારમાં આવેલી ખાનગી જગ્યામાં ઇટીપી અને એસટીપી પ્લાન્ટ નાખવાની તજવીજ હાથ ધરી હતી. જેને લઇ પાલીહિલ વિસ્તારના સોસાયટીના રહીશોએ મોરચો માંડી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ નગરપાલિકાને પણ લેખિતમાં રજૂઆત કરી હતી. જે અંગે કીર્તિ ડેવલોપર્સ દ્વારા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. જે પિટિશનને આજરોજ તા. 13.10.2023 ના રોજ સુનાવણી છે.
વલસાડ શહેરના પોશ વિસ્તાર ગણાતા તિથલ રોડ પર પાલી હિલ વિસ્તારમાં મોટાં પ્રમાણમાં બંગલા આવેલા છે. ગતરોજ સવારે વલસાડ નગરપાલિકા અને અમદાવાદની ક્રિષ્ના કન્સ્ટ્રક્શનના માણસો જેસીબી અને અન્ય વાહનો લઇને દોડી ગયા હતા. જેઓને પાલીહિલ સોસાયટીના રહીશોએ મુખ્ય ગેટને બંધ કરી તાળું મારી અંદરના ભાગે મોટા પ્રમાણમાં ફોરવહીલર કારો પાર્કિંગ કરી દઈ રસ્તો બંધ કર્યો હતો. જેથી નગરપાલિકા કોન્ટ્રાક્ટરના માણસો અને સોસાયટીના રહીશો વચ્ચે ચકમક થતા તે અંગેની જાણ વલસાડ સીટી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પાલિકા અને કોન્ટ્રાક્ટરના માણસોને અંદર ઘૂસવા નહીં દેતા નગરપાલિકાના ઇજનેરો સાથે વાતચીત કરતા જણાવ્યું કે આવતીકાલે હાઇકોર્ટમાં આ અંગે સુનાવણી હોવાનું જણાવતા પાલિકા અને કોન્ટ્રાક્ટરના માણસો પરત ફર્યા હતાં.