વલસાડ જિલ્લામાં મગના પાકમાં રોગ નિયંત્રણ માટે બીજ માવજતના લેવાના પગલાં અનુરોધ

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લામાં મગ પાકની ખેતી કરતાં ખેડૂતોએ પાકમાં રોગના નિયંત્રણ માટે બીજ માવજત માટે જરૂરી પગલા લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે. જે મુજબ પીળો પચરંગિયો રોગના નિયંત્રણ માટે મગની રોગ પ્રતિકારક જાત ગુજરાત આણંદ મગ-૫ ની વાવણી કરવી તેમજ થાયોમેથોકઝામ ૩૫ એફએસ ૧૦ મિ.લિ./ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપી વાવણી કરવી અને ત્યારબાદ થાયામેથોકઝામ ૨૫ ડબલ્યુજી (૪ ગ્રામ/ ૧૦ લિટર પાણી)નો પ્રથમ છંટકાવ વાવેતર પછી ૩૦ દિવસે અને બીજો છંટકાવ ૪૫ દિવસે કરવો જેથી આ રોગ ફેલાવતી ચૂસિયાં પ્રકારની જીવાતોનું નિયંત્રણ થઇ શકે.
કઠોળ પાકમાં એન્થ્રેક્નોઝ, કોહવારો તેમજ સરકોસ્પોરાથી થતા પાનના ટપકાંના રોગના નિયંત્રણ માટે બીજને વાવતા પહેલાં થાયરમ અથવા કાર્બેન્ડાઝીમ અથવા મેન્કોઝેબ જેવી ફૂગનાશક દવાનો (૩ ગ્રામ/ કિલો બીજ)નો પટ આપીને વાવણી કરવી. જીવાણુંથી થતા પાનનાં ટપકાના રોગના નિયંત્રણ માટે બીજને સ્ટ્રેપ્ટોસાયકલીન ૨૫૦ પીપીએમ (૧ ગ્રામ/ ૪ લિટર પાણી) ના દ્રાવણમાં ૧૫ મિનીટ સુધી બોળી રાખીને પછી વાવણી કરવી. મગમાં ગંઠવા કૃમિના નિયંત્રણ માટે લીંબોળીનો ખોળ ૧૦૦ કિ.ગ્રા. + ટ્રાઈકોડર્મા વીરીડી ૨.૫ કિ.ગ્રા./ હે. વાવણી પહેલા ૧૦ દિવસે જમીનમાં આપવાની ભલામણ કરવામાં આવે છે. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલા ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!