સદગુરુધામ બરૂમાળ ખાતે મધ્‍યપ્રદેશના રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલનો સત્‍કાર સમારોહ યોજાયો

વલસાડ: વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના સમસ્‍ત આદિવાસી સમાજ તથા શ્રી સદગુરુદેવ સ્‍વામી અખંડાનંદ મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્‍ટ, બરૂમાળ દ્વારા મધ્‍યપ્રદેશના રાજયપાલ તરીકે મહત્‍વનો હોદ્દો સંભાળ્‍યા બાદ પહેલી વખત વલસાડ જિલ્લામાં આવેલા રાજ્‍યપાલ શ્રી મંગુભાઇ પટેલનો સન્‍માન સમારંભ ધરમપુર તાલુકાના બરૂમાળ સ્‍થિત ભાવ ભાવેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો હતો.
આ અવસરે મધ્‍યપ્રદેશના રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલે તેઓની કારકિર્દી દરમિયાન થયેલા અનુભવોનું વર્ણન કરતા જણાવ્‍યું હતું કે, રાજ્‍યપાલ બનવું એ મારા માટે ચમત્‍કાર સમાન છે. સન્‍માન કાર્યક્રમમાં સૌને મળવાનું થાય એ મહત્‍વની વાત છે. તમે બધા મારા છે, આ વિસ્‍તારમાં દરેક સ્‍થળોની મુલાકાત પણ લીધી છે, અનેક લોકોને હું ઓળખું છું, તેમ જણાવી સૌને નામ લઈને યાદ કર્યા હતાં. અહીંની પ્રજા ખૂબજ ભોળી છે અને ગરીબોનું કરેલું કામ કદી એળે જતું નથી તેમ જણાવી નબળા સમાજને ઉપયોગી બની મદદરૂપ બનવા તેમજ ગરીબ પ્રજાની સેવા આત્‍મીયતા દાખવી કરવા અનુરોધ કર્યો હતો. સારા સ્‍વાસ્‍થ માટે યોગ ખુબજ ઉપયોગી છે, જેમાં સમગ્ર વિશ્વને જોડવાનું કામ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ કર્યું છે. કોરોના સમયમાં પણ નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા પરિવારના દીકરાના ખબર અંતર પૂછવુ એ મોટી વાત છે, તેમ તેમણે જણાવ્‍યું હતું.
વનબંધુ કલ્‍યાણ યોજના હેઠળ શરૂઆતના પ્રથમ પેકેજમાં ફાળવેલા ૧૫ હજાર કરોડની સામે ૧૭ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરી આદિજાતિઓના સર્વાંગી વિકાસની શરૂઆત કરી હતી. આ યોજનાના બીજા પેકેજમાં ચાલીસ હજાર કરોડની ફાળવણી કરી આદિજાતિઓના વિકાસને ઝડપભેર આગળ વધાર્યો હતો. આજે આદિજાતિઓના વિકાસ માટે મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક લાખ કરોડ રૂપિયા ફાળવ્‍યા છે, ત્‍યારે આદિજાતિના વિકાસને લાગતી યોજનાઓની જાણકારી અને લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને કોઈ પણ વ્‍યક્‍તિ સહાયથી વંચિત ન રહે તે જોવાની જવાબદારી પદાધિકારીઓ અને અધિકારીઓ નિષ્‍ઠાપૂર્વક બજાવે તેવી અપેક્ષા તેમણે વ્‍યક્‍ત કરી હતી. કોઈ પણ વ્‍યક્‍તિએ તેની યોગ્‍યતાની સાથે પરિશ્રમ કરવો જરૂરી છે, તેમ જણાવી સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ યોગ્‍ય વ્‍યક્‍તિને આપી નબળા સમાજને મદદરૂપ બની તેમને ઉન્નતિના માર્ગે લઈ જવાની કામગીરી સરકારને પૂરક બનવા તેમણે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
આ અવસરે આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્‍યું હતું કે, ગુજરાત અને આદિજાતિ સમાજનું ગૌરવ એવા મધ્‍યપ્રદેશના રાજ્‍યપાલ મંગુભાઇ પટેલનું સન્‍માન આદિવાસી સમાજ માટે યાદગાર અને ઐતિહાસિક બની રહેશે. જેમનું સમગ્ર જીવન આદિજાતિ સમજના વિકાસ માટે સમર્પિત કર્યુ છે એવા સમાજસેવા માટે હંમેશા તત્‍પર રહેલા મંગુભાઈ પટેલ ગુજરાતના નવસારીથી ભારતીય જનતા પાર્ટીના સનિષ્‍ઠ કાર્યકર રહયા છે. તેઓ નવસારીમાં પાંચ ટર્મ અને ગણદેવીમાં એક ટર્મ મળી ૨૭ વર્ષ સુધી તેઓ ધારાસભ્‍ય પદે રહયા હતા. તેમણે આદિજાતિ કલ્‍યાણ અને કુટિર ઉદ્યોગમંત્રી, આદિજાતિ કલ્‍યાણ મંત્રી, આદિજાતિ કલ્‍યાણ, વન અને પર્યાવરણ મંત્રી તેમજ ગુજરાત વિધાનસભામાં ડેપ્‍યુટી સ્‍પીકર તરીકેની સેવાઓ બજાવી છે. એમના કાર્યકાળ દરમિયાન અનેક પ્રકારની સરાહનીય કામગીરી અને વનબંધુ કલ્‍યાણ યોજનાના સુચારુ અમલીકરણ થકી આદિજાતિઓનો સર્વાંગી વિકાસ થયો છે.મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ વધુમાં જણાવ્‍યું હતું કે, રાજ્‍ય સરકાર આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. ગુજરાત અને દેશનું ગૌરવ એવા વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે તેમના ગુજરાતના મુખ્‍યમંત્રી કાળ દરમિયાન અનેક યોજનાઓ અમલી બનાવી હતી. દેશના ઇતિહાસમાં પ્રથમ વખત આઠ જેટલા આદિવાસીઓને મંત્રી બનાવવામાં આવ્‍યા હોવાનું તેમણે વધુમાં જણાવ્‍યું હતું. આદિજાતિ સમાજે ભારતીય સંસ્‍કૃતિ અને પર્યાવરણ જાળવણીનું કાર્ય કર્યુ છે, આઝાદીની લડતમાં પણ આદિજાતિઓનો મહત્ત્વનો ફાળો રહયો છે. ત્‍યારે આ સરકારે આદિજાતીઓના વિકાસ માટે વન બંધુ કલ્‍યાણ યોજના હેઠળ અત્‍યાર સુધીમાં એક લાખ કરોડના ખર્ચ કરી સર્વાંગી વિકાસ કર્યો છે અને મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે પણ આવનારા પાંચ વર્ષ માટે પણ વનબંધુ યોજનાના ફેઝ-૨માં એક લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આદિજાતિ વિસ્‍તારોમાં મેડિકલ કોલેજ ચાલુ કરવાથી અનેક આદિજાતિ વિદ્યાર્થીઓ ડોકટર બન્‍યા છે. જંગલની જમીન ખેડતા ૯૨ હજાર જેટલા આદિવાસીઓને જમીન તેમના નામે કરી આપી છે, જેની શરુઆત પણ મંગુભાઇ પટેલે કરાવી હતી.
આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના મધ્‍યપ્રદેશના રાજ્‍યપાલ એવા મંગુભાઇ પટેલે આદિજાતિઓના વિકાસ માટે ખૂબ જ સારું કાર્ય કર્યું છે, તે સૌના માટે ગૌરવની વાત છે. આદિજાતિઓના વિકાસ માટે વધુમાં વધુ બજેટ ફાળવવામાં સિંહ ફાળો મંગુભાઇ પટેલનો છે. તેઓ મધ્‍યપ્રદેશના રાજ્‍યપાલ બન્‍યા છે ત્‍યારે તેમનું સન્‍માન આપણા માટે એક યાદગાર ક્ષણ છે અને તેઓ ગુજરાતના મહેમાન બન્‍યા છે ત્‍યારે તેમનું શાનદાર સ્‍વાગત કરવું એ આપણી સૌની જવાબદારી બને છે.
ભાવભાવેશ્વર મહાદેવ મંદિર બરૂમાળના સ્‍વામી વિદ્યાનંદ સરસ્‍વતીએ આશીર્વચન પાઠવતાં જણાવ્‍યું હતું કે, રાજ્‍યપાલ શ્રી મંગુભાઇ પટેલ સાથે છેલ્લા ૨૫ વર્ષથી નાતો છે, તેઓ ખુબજ સરળ સ્‍વભાવના વ્‍યક્‍તિ છે અને તેમની સરળતાએ એમને ઉચ્‍ચ પદે પહોંચાડયા છે. સેવાનું ફળ હમેશા મીઠું જ હોય છે. ઉદ્દેશ પવિત્ર હોય તો લક્ષ સુધી અવશ્‍ય પહોંચી શકાય છે, જેથી જીવનમાં હંમેશા સેવાકીય કાર્યો કરતા રહેવું જોઈએ. રાષ્‍ટ્રના વિકાસ માટે ગામનો વિકાસ જરૂરી છે.
મધ્‍યપ્રદેશના રાજ્‍યપાલ શ્રી મંગુભાઈ પટેલનું વિવિધ સેવાકીય સંસ્‍થા, વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા રાજયપાલશ્રીને અભિનંદન પાઠવી મોમોન્‍ટો આપી, શાલ ઓઢાડી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતાં. જેમાં સ્‍વાગત બરૂમાળ મંદિર, કુકણા સમાજ, ધોડિયા સમાજ, વારલી સમાજ, આદિમજુથ, નવસારી તેમજ ડાંગ જિલ્લા સંગઠન, ડાંગના રાજા, આદિવાસીના ધર્મ ગુરુઓ, સમસ્‍ત આદિવાસી મહિલા આદિવાસી મોરચા, જિલ્લા આદિવાસી મોરચા મંડળ, સંધ પરિવાર, વિવિધ ગામોના સરપંચો, શિક્ષક સંધ, એ.પી.એમ.સી., વસુધરા ડેરી, વલસાડ, દમણગંગા તેમજ કાવેરી સુગર ફેક્‍ટ્રી, વી.આઈ.એ., એસ.આઈ.એ., યુ.આઈ.એ., રોટરી ક્‍લબ, વાપી, ડોક્‍ટર, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, ખેડુત આગેવાનો, ઉતર ભારતીય સમાજ વગેરેનો સમાવેશ થાય છે.
વલસાડ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારાએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા.
ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલે આભારવિધિ આટોપી હતી.
કાર્યક્રમની શરૂઆત અને સમાપન રાષ્‍ટ્રગીતના ગાનથી કરાયું હતું.
મધ્‍યપ્રદેશના રાજ્‍યપાલશ્રી, ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ આદિવાસી સમાજ અગ્રણી શ્રી મંગુભાઇ પટેલના વલસાડ, નવસારી, ડાંગ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આયોજિત સંયુક્‍ત સન્‍માન સમારંભમાં સાંસદ ડો.કે.સી.પટેલ, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ અલ્‍કાબેન શાહ, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહીર, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઇ ગાંવિત, ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ, કપરાડા ધારાસભ્‍ય જીતુભાઇ ચૌધરી, વલસાડ ધારાસભ્‍ય ભરતભાઇ પટેલ, પારડી ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈ, ગણદેવી ધારાસભ્‍ય નરેશભાઇ પટેલ, ડાંગ ધારાસભ્‍ય વિજયભાઇ, જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રે વલસાડ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઇ કંસારા સહિત મહાનુભાવો, ગ્રામજનો હાજર રહયા હતા

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!