ગુજરાત એલર્ટ | વલસાડ
ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકાઓમાં તા. ૬ ડિસેમ્બરના રોજથી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આજે વલસાડ જિલ્લાના છ તાલુકાઓમાં પણ મહોત્સવનો પ્રારંભ થયો હતો. જેમાં રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ પારડી તાલુકાના કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રહી ખેડૂતોને પ્રેરિત કર્યા હતા.
પારડી તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ પરિયા રોડ પર સ્થિત સાંઈ દર્શન હોલમાં યોજાયો હતો. આ પ્રસંગે નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, આજથી દરેક તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખેડૂતલક્ષી અનેક યોજનાઓ અને ખેડૂતોના વિકાસની વાતો કરી તેનું બનાસકાંઠાથી જીવંત પ્રસારણ આપણે સૌએ નિહાળ્યુ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ થાય તે માટે સદૈવ કાર્યરત છે. અનેક ખેડૂતલક્ષી યોજનાઓથી ખેડૂતોની આવકમાં વધારો થયો છે. વધુમાં મંત્રીશ્રીએ ખેડૂત મિત્રોને સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય મુકેશભાઈ પટેલે ખેતીવાડીની યોજના અને સરકારના વિકાસલક્ષી કાર્યોનો ચિતાર આપ્યો હતો. નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક ડો. એ.કે.સેનાપતિએ મૂલ્યવર્ધિત ખેતી દ્વારા ખેડૂતોની આવક કેવી રીતે ડબલ થઈ શકે તેના પર વિસ્તૃત સમજ આપી હતી. જ્યારે કૃષિ વૈજ્ઞાનિક ડો.આર.આર.સિસોદીયા અને ડો. એ.કે.પાંડેએ પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ સ્થળે આત્મા પ્રોજક્ટ, આઈસીડીએસ, ડીજીવીસીએલ, પશુપાલન વિભાગ, સખી મંડળ, બાગાયત ખાતુ, બેંકિગ યોજના, પ્રાકૃતિક ખેતી, ઈરીગેશન અને આરોગ્ય વિભાગ સહિતના કુલ ૧૫ સ્ટોલ ખેડૂતોના લાભાર્થે ગોઠવવામાં આવ્યા હતા. સ્થળ ઉપર જ ખેડૂતોની નોંધણી પણ કરવામાં આવી હતી.
સ્વાગત પ્રવચન અને આભારવિધિ નાયબ પશુપાલન નિયામક જે.વી.વસાવાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જગદિશ પટેલે કર્યુ હતું. આ પ્રસંગે પારડી તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષેશ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય હર્ષદ પટેલ, વિવિધ ગામોના સરપંચ અને ગ્રામ સેવકો તેમજ મદદનીશ ખેતી નિયામક તેજલ પટેલ સહિતના અધિકારીઓ- કર્મચારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સિવાય વલસાડ તાલુકામાં નંદાવલા ખાતે મા રિસોર્ટમાં ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, વાપી તાલુકામાં લવાછા ખાતે શ્રી કચ્છી ભાનુશાલી મિત્રમંડળ હોલમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ઉમરગામ તાલુકામાં ધોડીપાડા ખાતે સાંસ્કૃતિક ભવન હોલની બાજુના મેદાન પર ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર, ધરમપુર તાલુકામાં બામટી ગામે લાલ ડુંગરી મેદાન પર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ અને કપરાડા તાલુકામાં કપરાડાના કોમ્યુનિટી હોલ પાસે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.