ગુજરાત એલર્ટ । ખેરગામ
ભારત દેશના ભગવાન શ્રીરામ કે જેને મોગલ અને અંગ્રેજ શાસકો, છેલ્લે ૭૦ વર્ષ સુધી ભારતના શાસકોએ મંદિરના બદલે તંબુમાં રહેવા મજબૂર કર્યા હતા. તેવા સૌના પ્રભુ શ્રી રામલલ્લાનું અયોધ્યા ધામ ખાતે પુનઃ પ્રાણપ્રતિષ્ઠા કરવાના ઐતિહાસિક અવસર પર ખેરગામ રામજી મંદિર સંકુલમાંથી અત્યાર સુધીની સૌથી મોટી ભવ્ય રામભક્તોની શોભા યાત્રા નીકળી હતી. જાણે સમગ્ર ખેરગામમાં બીજી દિવાળી આવી હોય તેવો રંગ જમાવ્યો હતો. હજારો લોકો ભગવામય રામમય બન્યા હતા.
૧૩૨ વર્ષ જુના પ્રાચીન રામજી મંદિરેથી સાંજે પ વાગે શોભાયાત્રાએ અનેક નાના બાળકો દ્વારા રામજી પરિવારના પાત્રોમાં સજી ધજીને વીજળીબત્તિથી જળહળતી બગી, છોટા ટ્રેક્ટરમાં બિરાજી વિચરણ કરતા સમગ્ર ગામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
જેને ભવાની મંદિરના પૂજારીએ કંકુ તિલક કરી આવકાર્યા હતા. સતીશ પટેલે ફળાહાર કરાવ્યો હતો. વ્હોરા મસ્જિદ પાસે મુસ્લિમ અને દાઉદી વ્હોરા આગેવાનોએ સૌ રામભક્તો શ્રી ખેરગામ સનાતન રામોત્સવ મંડળના પ્રમુખ ધર્મેશ ભરૂચા, રામજી મંદિરના પ્રકાશ ગજ્જર વિ. હિન્દુ આગેવાનોનું સ્વાગત કર્યુ હતું.
આતશબાજી ડીજેના તાલે યુવા રામભક્તોએ ભારે નૃત્ય કરી મહત્વની જગ્યાએ ગરબાની રમઝટ બોલાવી હતી. સમગ્ર યાત્રા દરમિયાન ખેરગામ પીએસઆઇ ધરમશી પઢેરીયા અને તેમના પોલીસકર્મીઓએ સુંદર બંદોબસ્ત જાળવ્યો હતો.
શોભા યાત્રા રાત્રીના 9 પછી રામજી મંદિરે શાંતિપૂર્ણ રીતે પરત થઈ હતી અને ત્યારબાદ સૌએ મહાપ્રસાદ લીધો હતો. બાદમાં ભજન મંડળીયએ સુંદર ભજન કીર્તન કર્યા હતા જેમાં રામ ભક્તો જોડાયા હતા. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને પગલે ખેરગામનો મુખ્ય માર્ગનાં થાંભલા તિરંગા રોશનીથી સજાવવામાં આવતા ખેરગામ નગર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.