કામરેજ અને બારડોલીમાં સવા ત્રણ ઇંચ, મહુવા ,અને ડાંગ-આહવામાં અઢી ઇંચ વરસાદ : 9 તાલુકામાં બે ઇંચથી વરસાદ ; 21 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ
ગાંધીનગર: રાજ્યમાં સવારથી રાતના આઠ વાગ્યા સુધીમાં 76 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા બે કલાકમાં દક્ષિણ ગુજરાત અને ખાસ કરી સુરતમાં વરસાદનું જોર વધ્યું છે. સૌથી વધુ વરસાદ સુરતના કામરેજ અને બારડોલીમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સુરતના (Surat) બારડોલીમાં છેલ્લા બે કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.આ ઉપરાંત સુરતના મહુવામાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુરતના મહુવામાં છેલ્લા બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે ડાંગ-આહવામાં પણ અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યના 9 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યના 21 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.