વલસાડ
વલસાડ આર.પી.એફ.માં PSI હોવાની ખોટી ઓળખ આપી 17 યુવકો સાથે ઠગાઇ કરનાર ઠગને દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દબોચી લીધો હતો. પોલીસે આ ઈસમ પાસેથી પીએસઆઇની વરદી તેમજ રમકડાંની નકલી પિસ્તોલ,ખોટા આઇ કાર્ડ વગરે જપ્ત કર્યા હતા. આ ઇસમે નોકરીવાંછું યુવકો પાસેથી રૂ.12.50 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગે ઠગ સામે ગરબાડા પોલીસ મથકમાં નોધાયેલા ગુનાના આધારે દાહોદ એલસીબીની ટીમે નકલી પીએસઆઇની ધરપકડ કરી હતી.
વિગતો મુજબ દાહોદ જિલ્લાના ગરબાડાના 24 વર્ષિય દેવેન્દ્રભાઇ હરીશભાઇ પંચાલને નવેમ્બર’19 માં તેના મિત્ર એજાજ શેખે જણાવ્યું કે તેનો મિત્ર અરવિંદભાઇ મનુભાઇ સંગાડા મળ્યો હતો. જે હવે વલસાડ રેલવે પોલીસમાં આર.પી.એફ.માં પી.એસ.આઇ. તરીકે વલસાડમાં નોકરી કરે છે. તો તારા કોઇ મિત્રને કોન્સ્ટેબલમાં નોકરીએ લગાવવાનો હોઇ તો જણાવજે, તેવી વાતના આધારે દેવેન્દ્રભાઇ પંચાલે પોતાને પણ નોકરી કરવી છે તેમ કહેતા એજાજે શેખે હું મારા મિત્ર અરવિંદભાઇને વાત કરૂ તેમ કહેતા દેવેન્દ્રભાઇ પંચાલે તેના બીજા મિત્ર સલમાન યુસુફ શેખ, ગણેશભાઇ કાળુભાઇ ચાવડા, સોહીલભાઇ યુસુબભાઇ શેખ તથા એજાજ સોએબ શેખ પાંચેય મિત્રો ભેગા થઇ અરવીંદભાઇ મનુભાઇ સંગાડાના ઘરે ગયા હતા અને નોકરીની વાત કરી હતી.
જેથી અરવીંદ સંગાડાએ વ્યક્તિદીઠ રૂ.2,50,000 રૂપિયા આપવા પડશેનું જણાવતાં તેઓએ હા પાડી હતી અને તા.14-1-2020 ના રોજ અરવીંદભાઇને ફોન કરતા ડોક્યુમેન્ટ તથા ફોટાઓ લઇ દાહોદ રેલવે સ્ટેશને બોલાવતા પાંચેય મિત્ર દાહોદ રેલવે સ્ટેશન આવ્યા હતા. ત્યાર બાદ ફોર્મ ભરવા, પરીક્ષા પાસ થવાના, મેડીકલના, દોડ અને ગ્રાઉન્ડ પાસ કરવા અને ત્યાર બાદ ઓર્ડર માટે એક વ્યક્તિના 2,50,000 રૂપિયા આપવા પડશે તેમ કહી તેઓ પાસેથી કુલ 12,50,000 રૂપિયા લઇ નોકરીની વાત કરી ખોટા આઇ કાર્ડ તથા ખોટા નોકરીના ઓર્ડર આપી વિશ્વાસમાં લઇ છેતરપીંડી કરી હતી. આ અંગે ગરબાડા પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ દાહોદ એલસીબીની ટીમે ગરબાડાના માન મોહનીયા ફળીયામાં રહેતા નકલી પીએસઆઇ એવા અરવિંદ મનુંભાઈ સંગાડાની ધરપકડ કરી તપાસ કરતા ચોંકાવનારી માહિતી ખુલી હતી. જેમાં આ નકલી પીએસઆઈ મનુભાઈ સંગાડાએ 17 જેટલા યુવકો સાથે છેતરપીંડી કરી હોવાનું ખુલ્યુ છે. તે આ યુવકોને તાલીમ માટે પ.બંગાળના ખડકપુર જવાનું કહી પ્લેનની ટીકીટ કરાવી 10 દિવસ હોટલમાં રોક્યા હતા અને ત્યાં સાહેબ લેવા આવશે તેમ જણાવ્યુ હતુ. ત્યાંથી પરત બોલાવી રેલવે મારફતે વલસાડ બોલાવ્યા હતા. આ યુવકો ને શંકા થઈ હતી અને છેતરાયા હોવાનું ધ્યાને આવતા મામલો પોલીસ મથકે પહોંચતા નકલી પીએસઆઇ ગાયબ થઈ ગયા હતા. જેને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો હતો.