ગુજરાત એલર્ટ । વલસાડ
નોટરી એસોસિયેશન ઓફ ગુજરાતના વાઇસ-ચેરમેન તરીકે વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના પ્રમુખ તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની રૂલ્સ તથા શિસ્ત કમિટીના ચેરમેન શ્રી પી. ડી. પટેલની આજરોજ અમદાવાદ મુકામે મળેલ નોટરી એસોસિયેસન ઓફ ગુજરાતની મિટિંગમાં સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. શ્રી પી. ડી. પટેલે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર ગુજરાતનાં નોટરી એસોસિયેશનના ચેરમેન શ્રી ધીરેશભાઈ શાહ દ્વારા વાઇસ-ચેરમેન તરીકે શ્રી પી. ડી. પટેલની દરખાસ્ત કરતા હાજર રહેલ નોટરી એસોસિયેશનના તમામ હોદ્દેદારો તથા કમિટી સભ્યો તથા નોટરી મિત્રોએ સર્વાનુમતે સમર્થન આપતા શ્રી પી. ડી. પટેલને વાઇસ-ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. હવેથી શ્રી પી. ડી. પટેલને માથે સમગ્ર ગુજરાતના નોટરી મિત્રોનું નેતૃત્વ કરવાની જવાબદારી પ્રાપ્ત થઇ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે શ્રી પી. ડી. પટેલ નોટરી એસોસિયેશન ઓફ ગુજરાત સાઉથ ઝોનના ચેરમેન તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. નોટરી એસોસિયેશન ઓફ ગુજરાતના વાઇસ-ચેરમેન તરીકે શ્રી પી. ડી. પટેલની વરણી થતા સમગ્ર ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નોટરી એડવોકેટ મિત્રોએ ખુશી વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
આજરોજ આ પ્રસંગે અમદાવાદ મુકામે મળેલ નોટરી એસોસિયેશન ઓફ ગુજરાતની મિટિંગમાં વલસાડથી શ્રી મનીષભાઈ રાણા, શ્રી રાકેશભાઈ પટેલ તથા શ્રી રોનક્ભાઇ પટેલ વિગેરે હાજર રહી આ આનંદના પ્રસંગના સાક્ષી બન્યા હતા. અગાઉ બાર એસોસિએશન ઓફ ગુજરાતમાં વાઇસ ચેરમેન રહી ચૂકેલા શ્રી પી. ડી. પટેલનું ગત માસે પત્રકાર વેલફેર એસોસિએશન વલસાડ દ્વારા પણ “જ્વેલ ઓફ વલસાડ” તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.