ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લામાં આગામી તા. ૧૯-૦૨-૨૦૨૪ થી તા.૨૯-૦૨-૨૦૨૪ સુધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એચ.એસ.સી. વિજ્ઞાનપ્રવાહ પ્રાયોગિક પરીક્ષા માર્ચ-૨૦૨૪ બોર્ડની જાહેર પરીક્ષાના સરળ સંચાલન માટે તેમજ પરીક્ષાર્થીઓ માટે અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના પરીક્ષાનું સંચાલન થઈ શકે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આયુષ ઓકએ સભા સરઘસના આયોજન કરવા ઉપર તથા તમામ પરીક્ષા કેન્દ્રની હદથી ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા અને બિન અધિકૃત વ્યક્તિઓ, ખાનગી વાહનોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મુક્યો છે.
પરીક્ષાના દિવસો તા.૧૯-૦૨-૨૪ થી ૨૯-૦૨-૨૪ સુધી સવારના ૦૯-૦૦થી સાંજના ૧૮-૦૦ વાગ્યા સુધી ગેરકાયદેસર રીતે ૪ કરતા વધુ માણસોની કોઇ સભા ભરવી નહી કે બોલાવવી નહી અથવા સરઘસ કાઢવું નહી. ઉપરોક્ત પરીક્ષા સ્થળોના ૧૦૦ મીટર ત્રિજયાના વિસ્તારમાં પ્રવેશતા ખાનગી વાહનો તેમજ પરીક્ષાર્થીઓને ગેરરીતિમાં મદદ કરવાના બદ-ઈરાદાથી જતી બહારની અનધિકૃત વ્યક્તિઓએ પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ કરવો નહી તેમજ પ્રવેશ કરવાની કોશિશ કરવી નહી. પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખનકાર્યમાં અડચણ-વિક્ષેપ- ધ્યાનભંગ થાય તેવું કોઇ કૃત્ય કરવું કે કરાવવું નહી. પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈ પણ ચીજવસ્તુ જેવી કે, ઇલેકટ્રોનીક આઇટમ, પુસ્તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલોનું વહન કરવું નહી કે કરાવવામાં મદદ કરવી નહી. પરીક્ષાખંડમાં વિદ્યાર્થીઓએ મોબાઇલ કે પરીક્ષામાં ચોરી ગણી શકાય તેવા કોઇ પણ પ્રકારના ઇલેકટ્રીક ઉપકરણો લઇ જવા નહીં. પરીક્ષાના દિવસો તા.૧૯-૦૨-૨૪ થી તા.૨૯-૦૨-૨૪ સવારના ૦૯-૦૦થી સાંજના ૧૮-૦૦ વાગ્યા સુધી ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકાશે નહી. ઓળખપત્ર વિનાની બિન અધિકૃત વ્યકિતઓને પરીક્ષા સ્થળની અંદર પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે.
લગ્નના વરઘોડાને કે સ્મશાન યાત્રાને કે રેલ્વે/એસ.ટી.માં મુસાફરીમાં જનાર બોનાફાઇડ વ્યકિતઓને તેમજ પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલ અધિકૃત સરકારી કર્મચારીઓ, અધિકારીશ્રીઓ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે મુકાયેલ કર્મચારીઓ તથા અધિકારીઓ, કેન્દ્રના સંવાહકો, સંચાલકો, સ્થળ સંચાલકો, ઝોન પ્રતિનિધિ, ખંડ નિરીક્ષકો, વોટરમેન, બેલમૅન તથા ઓળખપત્ર આપવામાં આવેલ હોય તેવી નિરીક્ષણ ટુકડીઓ સહિતના તમામ અધિકૃત કર્મચારીઓને આ હુકમ લાગુ પડશે નહી.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કર્યે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર સામે પગલાં લેવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
એચએસસી વિજ્ઞાનપ્રવાહ પ્રાયોગિક પરીક્ષા તા. ૧૯ થી ૨૯ ફેબ્રુઆરી સુધી યોજાનાર પરીક્ષાના પરીક્ષા કેન્દ્રો
૧. બાઈ આવાબાઈ હાઈસ્કૂલ, સેન્ટર એ., હાલર રોડ, વલસાડ
૨. સેન્ટ જોસેફ ઈ.ટી. હાઈસ્કૂલ, ધરમપુર રોડ, વલસાડ
૩. આર.એમ. એન્ડ વી.એમ. હાઈસ્કૂલ, કસ્તુરબા હોસ્પિટલ પાસે, વલસાડ
૪. સાર્વજનિક હાઈસ્કૂલ, ડુંગરી, વલસાડ
૫. લોક વિદ્યાલય ઉંટડી, શાંતાબેન વિદ્યાભવન, વલસાડ
૬. ઉપાસના લાયન્સ હાઇસ્કૂલ, જીઆઈડીસી, વાપી
૭. સેન્ટ ફ્રાંસીસ હાઇસ્કૂલ, યુનિટ-૧, ચલા, વાપી
૮. મધર ઓફ હોપ હાયર સેકન્ડરી સ્કૂલ(યુનિટ-૧), આશાધામ, કોપરલી રોડ, વાપી
૯. સંસ્કાર ભારતી હાઈસ્કૂલ, કુંભારવાડ, વાપી
૧૦. એસ.એમ.એસ.એમ. હાઇસ્કૂલ, ધરમપુર
૧૧. ધરમપુર નગરપાલિકા હાઈસ્કૂલ, હાથીખાના, ધરમપુર
૧૨. સ્વામીનારાયન હાયર સેકન્ડરી સ્કૂલ, માલનપાડા, ધરમપુર
૧૩. ડીસીઓ સાર્વજનિક હાઈસ્કૂલ, યુનિટ-૧, પારડી
૧૪. બી.આર.જે.પી. ઈંગ્લિશ મિડીયમ સ્કૂલ, પારડી