રાજ્યના શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને ધરમપુરના બીલપુડીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પીએમ જનમન ઈ- સંવાદ કાર્યક્રમ યોજાયો

ગુજરાત એલર્ટ । વલસાડ
ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન (PM-JANMAN) અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો દેશના આદિમ જૂથના લાભાર્થીઓ સાથે સીધો વર્ચ્યુઅલ લોકસંવાદ કાર્યક્રમ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બીલપુડી ગામની શાળાના પટાંગણમાં રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

​આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, વર્ષોથી ઉપેક્ષિત, પીડિત એવા આદિમ જૂથનો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ થતો હતો, આદિવાસી સમાજના વિકાસ માટે દુર્લક્ષ સેવાતુ હતું. નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ‘‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ’’નું સૂત્ર આપી વિકાસની રાજનીતિ શરૂ કરી આદિવાસી સમાજને મુખ્ય ધારામાં લાવવાનું કામ કરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જનમન મહાઅભિયાન શરૂ કરી શિક્ષણ, આરોગ્ય અને પાણી સહિતની સુવિધા માંગ્યા વગર આપવાનું કામ કર્યું છે. નરેન્દ્રભાઈએ આદિવાસીઓનો રોટલો ખાધો છે, તેઓના ઘરે રોકાયા છે. જેથી આદિવાસી સમાજની પીડા સમજે છે. જનમન અભિયાનથી આદિવાસી સમાજ માટે સોનાનો સૂરજ ઉગ્યો છે. રૂ. ૨૪ હજાર કરોડના ખર્ચે આદિવાસીઓનો સર્વાંગી વિકાસ માટે વ્યવસ્થા કરી છે. ૧૪૦ કરોડના દેશમાં ગરીબો અને વંચિતો માટે યોજના બનાવી છે. ૧૪૦ કરોડમાંથી ૫૦ કરોડ લોકોના બેંકમાં ખાતા ન હતા તેઓના ઉત્થાન માટે જન ધન યોજના હેઠળ ખાતા ખોલાવતા વચેટિયાઓ દૂર થતા હવે વિવિધ સરકારી યોજનાનો લાભ લાભાર્થીના સીધા બેંક ખાતામાં જમા થતા પૂરેપૂરી સહાય લાભાર્થીઓને મળે છે. ગરીબોના બેલી બનવાનું તેઓના આધાર બનવાનું કામ વડાપ્રધાનશ્રીએ કર્યું છે. ૧૩ કરોડ લોકો ગરીબી રેખામાંથી મુક્ત થઈ બહાર આવ્યા છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, પહેલા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ન હતો. તત્કાલીન વડાપ્રધાનશ્રી સ્વ. અટલ બિહારી બાજપાઈએ અલગ મંત્રાલય ખોલ્યુ હતું. એકલવ્ય મોડલ સ્કૂલથી શિક્ષણનો બહોળો ફેલાવો થઈ રહ્યો છે. આદિવાસી હિન્દુ નથી એમ કહી ગુમરાહ કરવાવાળાને ઓળખી લેજો. ૨૫ વર્ષ પહેલા આપણા ગામની સ્થિતિ કેવી હતી અને અત્યારે શિક્ષણ, આરોગ્ય અને પાણી સહિતની સુવિધા ઘર આંગણે ઉપલબ્ધ છે. નરેન્દ્રભાઈ અને ભુપેન્દ્રભાઈની ડબલ એન્જીન સરકાર સર્વાંગી વિકાસની દિશામાં કામ કરી રહી છે.
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રીએ છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ઝારખંડના લાભાર્થીઓ સાથે સંવાદ કરી સરકારની યોજના થકી પોતાનો તેમજ ગામનો વિકાસ કેવી રીતે શક્ય બનાવ્યો તે અંગે વાર્તાલાપ કર્યો હતો.
સ્વાગત પ્રવચન પ્રાયોજના વહીવટદાર અતિરાગ ચપલોતે કર્યું હતું. વિદ્યાર્થીઓએ આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમાન નૃત્ય અને મહિલા તેમજ કિશોરીઓએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતું ધરતી કહે પુકાર કે… નાટક રજૂ કર્યું હતું. મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના ૧૮ લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ ધરમપુર તાલુકાના ૬૫ ગામ માટે ઉપયોગી મોબાઈલ મેડિકલ યુનિટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.
આ પ્રસંગે વલસાડ-ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી અને ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, મહામંત્રી મહેન્દ્ર ચૌધરી, જિલ્લા કિસાન મોર્ચાના પ્રમુખ ગણેશ બિરારી, આદિજાતિ વિભાગના અગ્ર સચિવ ડો.મુરલીક્રિષ્ન, જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. કરણરાજ વાઘેલા, ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક નિશા રાજ, વાપી પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ સહિત ધરમપુર અને કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ અને આદિવાસી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉન્નતિબેન દેસાઈ અને તારેશભાઈ સોનીએ કર્યું હતું.

મંત્રીશ્રીએ લાભાર્થીઓ સાથે રૂબરૂ સંવાદ કરી યોજનાનો લાભ વંચિતો સુધી પહોંચાડવા અપીલ કરી
ધરમપુરના બીલપુડી ગામના લાભાર્થી અને બીએસસીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની હિરલ હીરામણ જાદવે મંત્રીશ્રી ડીંડોર સાથે સંવાદ કર્યો હતો. જેમાં ફ્રી શીપ કાર્ડ યોજના અને સ્કોલરશિપના લાભ વિશે માહિતી મેળવી વધુમાં વધુ આદિવાસી વિદ્યાર્થીઓને યોજનાનો લાભ લેવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. મરઘમાળ ગામના લાભાર્થી જયંતિ છોટુભાઈ દગડાએ મંત્રીશ્રી સાથે સંવાદ કરી આદિવાસી સમાજની દીકરીઓ વીટીસી કોલેજનો લાભ લઇ આત્મનિર્ભર બને તે માટે જણાવ્યું હતું. આ સિવાય આવાસ યોજના, ઉજવલા યોજના હેઠળ વીજળી, અન્ન યોજના, નલ સે જલ સહિતની યોજનાનો લાભ મોદીની ગાડી દ્વારા મળ્યો હોવાનું લાભાર્થીએ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ અન્ય વંચિત લોકોને પણ મળે તે માટે જાગૃત કરવા જણાવ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!