ગુજરાત એલર્ટ । વલસાડ
અયોધ્યામાં ભગવાન રામ બિરાજયા બાદ પ્રથમ વખત વલસાડ જિલ્લામાં નીકળનારી રામનવમીની શોભાયાત્રામાં માટે ભક્તોમાં ભારે ઉત્સાહ છે. વલસાડ શહેરમાં નીકળનારી યાત્રામાં 15,000 થી વધુ ભક્તો જોડાશે એમ આજરોજ પત્રકાર પરિષદમાં જણાવાયું હતું.
17મી એપ્રિલે રામનવમીના દિવસે વલસાડ શહેરમાં જુદા જુદા હિન્દુ સંગઠનો એકત્ર થઈને ભવ્ય શોભાયાત્રા કાઢશે. આ માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં હિન્દુ અગ્રણી બકુલભાઈ રાજગોરે જણાવ્યું હતું કે વલસાડ આજુબાજુના જુદા જુદા હિન્દુ સંગઠનો એક થઈને એક જ ઠેકાણે ભવ્ય શોભાયાત્રા કાઢવાનું નક્કી કર્યું છે. જે અનુસાર વલસાડ રેલવે ગોદી પાસે આવેલા હનુમાનજી મંદિરેથી બપોરે 3:00 વાગ્યે શોભાયાત્રા કાઢવામાં આવશે. જેમાં આજુબાજુના સૌ હિંદુ સંગઠનો સાથે મળી લગભગ 15 હજારથી વધુ લોકો જોડાઈ તેવી શક્યતા છે.
હિન્દુ અગ્રણી અને આયોજક હિતેશભાઈ પટેલે કહ્યું હતું કે આ શોભાયાત્રા માટે ફક્ત આઠ સ્પોટ જ રાખવામાં આવ્યા છે કે જ્યાં યાત્રાનું લોકો સ્વાગત કરી શકશે તે સિવાય ક્યાંય પણ યાત્રા ઊભી રહેશે નહીં. આ યાત્રાનો રૂટ વલસાડના રેલ્વેગોદીથી બેચર રોડ, છીપવાડ પોલીસ ચોકી, આઝાદચોક, ધોબીતળાવ, દાદિયા ફળિયા તળાવ, રીનાપાર્ક, લુહાણા સમાજ હોલ, તિથલ રોડ થઈ રેલવે જીમખાના મેદાનમાં સમાપ્ત થશે.
રામજન્મભૂમિ ખાતે રામમંદિર નિર્માણ થયા બાદ પ્રથમ વાર રામનવમીની શોભાયાત્રા નીકળનારી હોય વલસાડના સૌ રામભક્તોમાં ભારે ઉત્સાહ વર્તાઈ રહ્યો છે.