ગુજરાત એલર્ટ l આહવા
ડાંગના આહવામાં જિલ્લા ભાજપનાં માજી પ્રમુખ રમેશ ડોન અને તેમના પડોશીઓ વચ્ચે ટપરીના કબજા બાબતે મારામારી થતા રમેશડોનના પુત્રએ યુવાનનું માથું ફાડી નાખતા લોહીલુહાણ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બનાવ અંગે સામસામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સુત્રો તેમજ હોસ્પિટલમાંથી મળેલી માહિતી મુજબ ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવા નગરના પટેલપાડા વિસ્તારમાં રહેતા જિલ્લા ભાજપના માજી પ્રમુખ રમેશભાઈ ચૌધરી તેનો પુત્ર અજય આજરોજ બપોરે 12 કલાકે તેમના ઘર બહાર આવેલી ટપરીમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમના પડોશીઓ એજાજભાઈ, સાકીરભાઇ, જાયદાબેન સાકીરભાઇ અને તેમના બે પુત્રો તેમની પાસે આવી આ ટપરી વાળી જગ્યા અમારી છે અમને ચાવી આપી દે એમ કહ્યું હતું. આ ટપરીના કબજા બાબતે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતા એઝાજ પર લાકડા તેમજ કુહાડી વડે હુમલો કરી માથામાં ઘા કરતા એઝાજનું માથું ફાટી જતા તેને સારવાર માટે આહવાની સિવિલ હોસ્પિટલમાં લોહી લુહાણ હાલતમાં ખસેડાયો હતો. બનાવ અંગે આહવા પોલીસ સ્ટેશનમાં હાફ મર્ડર અને એટ્રોસિટીની સામસામી ફરિયાદ નોંધાતા આહવા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. બનાવની જાણ જિલ્લાભરમાં ફેલાતા ચર્ચાનો વિષય બની ગયો હતો.