વલસાડ
વલસાડના ઘડોઇ ગામે રહેતા પશુપાલકને રૂ. 7 લાખ મહિનાનાં 10 ટકા વ્યાજે આપ્યાં બાદ પશુપાલકે વ્યાજ પેટે જ રૂ. 21 લાખ જેટલી રકમ ચૂકવી દીધા બાદ પણ પશુપાલકનો ચેક રિટર્ન કરાવી કોર્ટ કેસ કરનારાં વ્યાજે નાણાં આપનારાં ગુંદલાવ ગામના શખ્સ સામે વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. આ શખ્શ પશુપાલકની 3 કાર પણ ઊંચકી લઈ ગયો હતો.
વલસાડ રૂરલ પોલીસમથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવેલી વિગતો અનુસાર જગુભાઈ બાબરભાઈ આહીર ઘડોઈ ગામે રહે છે. તેઓ પશુપાલનનો ધંધો કરતા હોય ગુંદલાવ શીવશકિત કોમ્પલેક્ષની બાજુમા રહેતા રસુલ એમ. શેખના ઘરે દરરોજ દુધ વેચાણ કરતા હતાં. તેમને જાણવા મળ્યું હતું કે રસુલભાઈ રૂપિયા વ્યાજે આપવાનો ધંધો કરે છે. જેથી ભેંસની ખરીદી કરવા રૂપિયાની જરૂરીયાત ઉભી થતા તા.૦૩/૦૧/૨૦૧૮ ના રોજ તેને મળેલ અને તેની પાસેથી વ્યાજે રૂપિયા લેવા માટે વાત કરતા તેમણે રૂપિયા આપવા માટે હા પાડી હતી. પરંતુ 10% વ્યાજ આપવુ પડશે તથા કોરા સ્ટેમ્પ પેપર ઉપર સહી આપવી પડશે તથા એક કોરો સહી કરેલ બેન્કનો ચેક આપવો પડશે તેમ જણાવ્યું હતું. તે વખતે જગુભાઈને રૂપિયાની જરૂર હોવાથી તેમણે હા પાડી હતી. જેથી તેમણે જગુભાઈના નામ ઉપર એક સ્ટેમ્પ પેપર મંગાવી પાછળના ભાગે જગુભાઈની સહી લીધી હતી. તેમજ સહી કરેલો કોરો ચેક આપતાં જગુભાઇને રૂ.૫૦,૦૦૦/- આપ્યાં હતાં. જેના વ્યાજ પેટે જગુભાઈ રસુલને દર મહીને રૂ.૫,૦૦૦/- દર મહીને રોકડેથી આપતા હતાં. ત્યારબાદ અવારનવાર ધંધામાં રૂપિયાની જરૂરીયાત પડતા ટૂંકા ગાળામાં ફરીથી જગુભાઈએ રસુલ એમ.શેખ પાસેથી કુલ રૂપિયા ૭,૦૦,૦૦૦/- વ્યાજે લીધા હતાં. જેના 10% લેખે દર મહીને રૂ.૭૦,૦૦૦/- દર માસે ચુકવતા હતાં. પશુપાલનના ધંધામાંથી થતી આવકના તમામ રૂપિયા તેઓને વ્યાજ પેટે ચુકવી દેતાં હતાં. જેથી પશુપાલનના ધંધામાં દર મહીને નુકશાન થતુ હોય સમય જતાં વ્યાજના દર માસે આપવાના થતા રૂ.૭૦,૦૦૦/- આપી શક્યા ન હતાં.
રૂ. 7 લાખની સામે રૂ. 21 લાખ વ્યાજરૂપે જ ચુકવી દીધાં હતા.
જગુભાઈએ ફરિયાદમાં જણાવ્યાં મુજબ આજ દિન સુધી તેમણે વ્યાજે લીધેલ રૂપિયા થોડા થોડા કરી ત્રણ ગણા રૂપિયા વ્યાજરૂપે ચુકવી દીધાં હોવા છતા રસુલભાઇ રૂપિયા માંગતા હતા. જે બાદ રસુલભાઈએ રૂ.૭,૦૦,૦૦૦/-નો ચેક બેંકમાં ડિપોઝિટ કરી દઈ ચેક બાઉન્સનો કોર્ટમાં કેસ કરી દીધો હતો. આ ઉપરાંત અવારનવાર ગાળાગાળી કરતા જગુભાઈએ રસુલ શેખ સામે ગુજરાત નાણા ધીરધાર કરનારા બાબત અધિનિયમની કલમ 38, 39, 40, 42(ઇ) 42(ડી)તથા આઇપીસી કલમ 384, 504, 506 (1) મુજબ ફરિયાદ નોંધાવતા પીએસઆઈ જે.જે. ડાભીએ તપાસ હાથ ધરી છે.
જગુભાઇની 3 કાર રસુલ શેખ ઉપાડી ગયો હતો
વ્યાજ આપવાનું બંધ કરતા રસૂલે જગુભાઇના ઘરે જઈ તેમની મહીન્દ્ર કંપનીની ઝાયલો કાર નંબર GJ-21- U-9010 તથા ચેવરોલેટ કંપનીની લાલ કલરની ટવેરા કાર નંબર.GJ-19-A- 5628 તથા બીજી ચેવરોલેટ કંપનીની સફેદ કલરની ટવેરા કાર નંબર.GJ-19-M-4100 કારની ચાવી લઇ ત્રણેય કાર ઉપાડી લઇ ગયા હતા. અને રૂ.૭,૦૦,૦૦૦/- વ્યાજ સાથે પરત આપી જજે અને તારી ત્રણેય કાર લઇ જજે તેમ જણાવ્યું હતું.