ગુજરાત એલર્ટ | વલસાડ
રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ પારડી તાલુકા પંચાયતના રૂા. ૨.૪૦ કરોડના ખર્ચે અને સી. ડી. પી.ઓ. ના રૂા. ૩૨.૯૪ લાખના ખર્ચે તૈયાર થયેલા મકાનનું વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, વલસાડના સાંસદ ર્ડો. કે. સી. પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ મીતલ પટેલ, કપરાડા અને વલસાડના ધારાસભ્યો સર્વશ્રી જીતુભાઇ ચૌધરી અને ભરતભાઇ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરી પારડી તાલુકાની પ્રજા માટે ખુલ્લુ મૂકયુ હતું.
તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જે રીતે ગુજરાતનો તમામ ક્ષેત્રોમાં વિકાસ કર્યો છે તેનું રાજયના નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ ઉદાહરણો સાથે સમજ આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં રોજગારી માટે વાયબ્રન્ટ ગુજરાત, ખેડૂતો માટે કૃષિ મહોત્સવ, કોઇપણ સમાજના વિકાસ માટે બાળકો ભણીને સારો નાગરિક બને તે ધ્યાને લઇ બાળકોના ભવિષ્ય માટે શાળા પ્રવેશોત્સવ, મહિલાઓના વિકાસ માટે મહિલા સશકિતકરણ જેવા વિવિધ ક્ષેત્રોમાં વિકાસ કર્યો છે તેજ રીતે તેમણે દેશનો તમામ ક્ષેત્રોમાં વિકાસ કરી રહયા છે. અને આજે દેશના વિશ્વમાં ગૌરવવંતુ સ્થાન મળી રહયું છે. આજની યુવાપેઢીને દેશને આઝાદી કઇ રીતે મળી તેની દેશના નાગરિકોને અનુભૂતિ થાય અને આઝાદીની લડતમાં શહીદ થયેલા શહીદોના સન્માનમાં હર ઘર ત્રિરંગાના માધ્યમથી દેશપ્રેમની ચેતના જગાવી છે.
મંત્રીશ્રીએ વલસાડ જિલ્લામાં ઝડપભેર થઇ રહેલા વિકાસના કામોનો સંપૂર્ણ યશ જિલ્લા વહીવટીતંત્રને જાય છે એમ જણાવ્યું હતું. વલસાડ જિલ્લાની ધરમપુર, પારડી અને ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં રૂા. ૫૦ કરોડના ખર્ચે અન્ડર ગ્રાઉન્ડ કેબલીંગ થઇ ગયુ છે જેના લીધે લાઇટના પ્રશ્નો રહેશે નહિં જેથી સાયકલોનમાં પણ તકલીફ થશે નહિં. આવી જ રીતે જિલ્લાના કાંઠા વિસ્તારોમાં પણ અન્ડર ગ્રાઉન્ડ કેબલીંગ માટે આયોજન થઇ રહયું છે એમ મંત્રીશ્રીએ આ તબક્કે જણાવ્યું હતું.
તાલુકા પંચાયતના લોકાર્પણ થયેલું આ મકાન ૫૮૮ ચો. મી. માં બનાવવામાં આવ્યું છે. આ મકાન ગ્રાઉન્ડ પ્લસ એક માળનું છે. જેમાં ગ્રાઉન્ડ ફલોર પર પ્રમુખની ચેમ્બર, ટી. ડી. ઓ. ની ચેમ્બર, જનસેવા કેન્દ્ર, એ. ટી. ડી. ઓ.ની ચેમ્બર, મહેસૂલ શાખા, કોમ્પ્યુટર રૂમ તેમજ સ્ત્રી અને પુરૂષોના શૌચાલયનો સમાવેશ થાય છે. જયારે પ્રથમ માળે બાંધકામ શાખા, મિશન મંગલમ અને સ્વચ્છ ભારત મિશન શાખા, મનરેગા શાખા, રેકર્ડ રૂમ, કોન્ફરન્સ હોલ અને સ્ત્રી અને પુરૂષ શૌચાલયનો સમાવેશ થાય છે. જયારે સી. ડી. પી. ઓ. ના મકાનમાં ગ્રાઉન્ડ ફલોર પર સી. ડી. પી. ઓ. ની ચેમ્બર, કોન્ફરન્સ હોલ, સ્ટોર રૂમ અને સ્ત્રી તેમજ પુરૂષ શૌચાલયનો સમાવેશ થાય છે. જયારે પ્રથમ ફલોર પર મીટીંગ હોલનો સમાવેશ થાય છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દભાઇ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજયનો આજે તમામ ક્ષેત્રે વિકાસ થઇ રહયો છે. ગતરોજ નાણાંમંત્રીશ્રીએ ગ્રાહકોની જાગૃત્તિ માટે મેરા બીલ મેરા અધિકારની યોજના લોન્ચ કરી દરેક નાગરિકોને તેમના હક્કો પ્રત્યે પ્રોત્સાહિત કર્યા છે.
આ પ્રસંગે કપરાડા અને વલસાડના ધારાસભ્યો સર્વશ્રી જીતુભાઇ ચૌધરી અને ભરતભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીએ પ્રાંસંગિક પ્રવચનમાં પારડી અને વાપી તાલુકા પંચાયતના મકાન અને જિલ્લા પંચાયત વલસાડના ભવન માટે જરૂરી મંજૂરી અને ઝડપી કાર્યવાહી માટે મંત્રીશ્રીનો આભાર માન્યો હતો.
આ કાર્યક્રમમાં પારડી તાલુકા વિકાસ અધિકારી સંદીપ ગાયકવાડે સ્વાગત પ્રવચન અને આભારવિધિ જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર અમિષ પટેલે કરી હતી.
કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, પારડી પ્રાંત ડી.જે. વસાવા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અંકિત ગોહિલ, પારડી મામલતદાર આર. આર. ચૌધરી તેમજ પારડી તાલુકા પંચાયતના સી. ડી. પી. ઓ. હસુમતી દીવા અને તાલુકા પંચાયતના અધિકારી અને કર્મચારીઓ હાજર રહયા હતા.