અમદાવાદ: ગુજરાતના ૧૭માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે આજે બપોરે શપથ ગ્રહણ કરતા જ રાજયમાં ફરી પાટીદાર પાવર છવાયો છે. આજથી ફરી ગુજરાતમાં પટેલોની સરકાર કાર્યરત થઇ છે.
આજે બપોરે ર.ર૦ કલાકે રાજભવન ખાતે યોજાયેલા એક સમારંભમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતે ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકેના હોદ્દો તથા ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કર્ણાટકના મુખ્યમંત્રી બશવરાજ બોમ્માઇ, હરીયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પણ ઉપસ્થિત રહયા હતા. શપથવિધિ સમારોહમાં વિજયભાઇ રૂપાણી ઉપરાંત નિતીન પટેલ પણ ઉપસ્થિત રહયા હતા.
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવીયા, પરસોતમ રૂપાલા, દર્શનાબેન જરદોશ પણ ઉપસ્થિત રહયા હતા. એટલુ જ નહિ સાંસદો-ધારાસભ્યો સહીત પ૦૦ જેટલા આમંત્રીતો પણ ઉપસ્થિત રહયા હતા.
શપથવિધિ સમારોહમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપરાંત ભાજપના નેતા ગોરધન ઝડફીયા પણ હાજર રહયા હતા.
શપથવિધિ સમારોહ બાદ રાજભવનના હોલમાં વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠયા હતા. આજે માત્ર ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. બે દિવસ પછી ફરી મંત્રીઓની શપથવિધિ યોજવામાં આવશે. કયા ધારાસભ્યને મંત્રી પદ મળશે? અને કોને નહિ મળે? એ બાબતને લઇને અટકળો ચાલુ છે.
હવે મોવડીઓ સાથે ચર્ચા કરી આગળના પગલાઓ લેવામાં આવશે તેવું જાણવા મળે છેે. રાજયમાં ફરી પાટીદાર પાવર છવાતા પાટીદારો ખુશખુશાલ હોવાનું પણ જણાય છે.