ગુજરાત એલર્ટ । આહવા
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની જાહેર મુસાફર જનતાની યાતાયાત સુવિધાને કેન્દ્રમા રાખી, અત્યંત આધુનિક અને સુવિધાયુક્ત નવિન બસો ફાળવવામાં આવી રહી છે.
રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યની સેવામા ગુજરાતની ધોરી નસ સમા, એસ.ટી. વિભાગને અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ કરી પરિવહન સેવાની દિશામા ગતિ લાવવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે રાજ્યના છેવાડાના આદિવાસી વિસ્તાર એવા ડાંગ જિલ્લાને પણ વિક્રમ સવંતનાં નવા વર્ષના આગમન પૂર્વે, નવી સ્લીપર કોચ બસ ફાળવાતા ડાંગ જિલ્લા સહિત સુબીર તાલુકાના લોકોમા વિશેષ આનંદ સાથે દિવાળીની ભેટ મળ્યાની લાગણી ફેલાવા પામી છે.
ગત તા.૧૩ના રોજ વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ તેમજ આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ ચૌધરીના હસ્તે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ૧૭:૪૫ કલાકે ઉપડતી, આહવા વાયા સુબીર, સોનગઢ થઈ ગાંધીનગર રૂટ ઉપર ચાલતી જૂની બસને સ્થાને નવિન સ્લીપર કોચ બસ ફાળવી પ્રસ્થાન કરાવાયુ હતું.
આ પ્રસંગે વિજયભાઈ પટેલે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી તેમજ વલસાડ વિભાગના વિભાગીય નિયામક એન.એસ.પટેલનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.
આહવા ડેપો મેનેજર કિશોરસિંહ પરમારના જણાવ્યા મુજબ આ નવિનતમ બસ સુવિધા અંગે સુબીર તાલુકાના લોકોને જાણ થતા, ઝરણ ગામે લોકોએ નવી બસનુ ઉત્સાભેર સ્વાગત કરી વિધિ વિધાનથી પૂજા અર્ચના કરી, રાજ્ય સરકારની સેવાને બિરદાવી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.