ગુજરાત એલર્ટ | વલસાડ
વિદેશની ધરતી કઝાકિસ્તાનમાં ૧૧ મી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટીંગ એન્ડ ઈનક્લાઈન બેચ પ્રેસ ચેમ્પિયનશીપ – ૨૦૨૪ તા. ૧૮ જુલાઈના રોજ યોજાઈ હતી. જેમાં અલગ અલગ વેઈટ કેટેગરીમાં વિશ્વભરના ૨૫૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાંથી વલસાડના અબ્રામા ખાતે રહેતા ૨૭ વર્ષીય પારસી સમાજના યુવકે સ્ટ્રેન્થ લિફ્ટીંગમાં ગોલ્ડ અને બેચ પ્રેસમાં સિલ્વર મેડલ મેળવી ભારતનું નામ વિશ્વના નકશા પર અંકિત કરી વલસાડનું ગૌરવ વધાર્યુ છે.
વિદેશની ધરતી પર અનેક લોકો વચ્ચે ભારતનો તિરંગો આન, બાન અને શાન સાથે લહેરાવી ગોલ્ડ મેડલ સાથે સ્વદેશ પરત ફરેલા વલસાડના અબ્રામા ખાતે પ્રમુખ આશિયાનામાં રહેતા ૨૭ વર્ષીય યઝદ જહાબક્ષ ચિનોયે માહિતી ખાતા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૧૮- ૧૯માં વલસાડ કોમર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા બાદ પ્રોફેશનલ શુટીંગ્સનો શોખ હોવાથી તે રમતો હતો પરંતુ વલસાડ નાનુ ટાઉન હોવાથી અહીં શુટીગ્સ માટે પૂરતી સુવિધા ન હતી. જેથી માર્શલ આર્ટ અને રેસલિંગમાં ઝંપલાવ્યું હતું. જીમમાં ૩ વર્ષ પહેલા ગયો ત્યારે અબ્રામાના જીમ ટ્રેનર રોન અલમેડિયાએ પાવર લિફટીંગ સ્પોર્ટસ વિશે માહિતી આપી ટ્રેઈન કર્યો હતો. વલસાડમાં રહેતા મહેર્જાદ પટેલે અગાઉ રશિયામાં રમાયેલી પાવર લિફટીંગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેમના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં જઈ મને પણ આ ફિલ્ડમાં આવવાની પ્રેરણા મળી હતી. જેથી સ્ટેટ અને નેશનલ કક્ષાએ રમવા જવાનુ થતા સુરતના શ્રી બાલાજી વ્યાયામશાળાના કોચ વિજય ભગતના સંપર્કમાં આવતા તેમણે મને સ્ટ્રેન્થ લિફટીંગ વિશે તાલીમ આપી હતી. જે માટે હુ દર બીજા દિવસે સુરત વ્યાયામશાળામાં પ્રેકટિસ માટે જતો હતો. આ સિવાય ઘરે પણ રોજના અઢી કલાક મહેનત કરતો હતો. વલસાડમાં એક જીમના ટ્રેનર મનિષ બલસારા અને જાવેદ મલિકે યોગ્ય ગાઈડન્સ આપતા મારી ક્ષમતા વધતી ગઈ હતી. આમ, જોવા જઈએ તો મારા દાદા વી.બી.ચિનોય નિવૃત્ત ડીવાયએસપી હતા અને મારા પિતા જહાબંક્ષ ચિનોય નેશનલ શુટીંગના પ્લેયર છે જયારે માતા હુફરીઝ ચિનોય ઓલ ઈન્ડિયા લેવલે ઝુડો અને શુટીંગમાં ચેમ્પિયન હતા. જેથી મારામાં પણ વારસાગત રીતે આ ગુણો અવતરે એ સ્વાભાવિક છે.
૧૩૯ કિલો વજન ધરાવતા ખેલાડી યઝદ ચિનોય અત્યાર સુધીમાં ૨૪૫ કિલો વજન કોમ્પીટીશનમાં ઉંચકી શક્યા છે પરંતુ તેમનું સપનું વર્લ્ડ રેકર્ડ તોડવાનું છે. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં હાઈએસ્ટ લિફ્ટીંગનો રેકર્ડ આસામના ખેલાડી સિધ્ધાર્થ સાકીયાના નામે છે, તેમણે ૨૮૦ કિલો લિફટીંગ કર્યુ છે. તેમનો રેકર્ડ તોડવા માટે મારે ૨૮૨.૫ કિલો લિફ્ટીંગ કરીશ તો વર્લ્ડ રેકર્ડ મારા નામે થશે. જે માટે ફરી પ્રેકટીસ અત્યારથી જ ચાલુ કરી દીધી છે. યઝદે વધુમાં જણાવ્યું કે, આ વર્ષે જ મારા નામે વર્લ્ડ રેકર્ડ બની જાત પરંતુ ખભાના ભાગે મને પ્રેકટીસ દરમિયાન ઈજા થતા વર્લ્ડ રેકર્ડ બનાવી શક્યો ન હતો.
કઝાકિસ્તાનમાં વિદેશની ધરતી પર જ્યારે ગોલ્ડ મેડલ મને એનાયત કરાયો ત્યારે ભારતનું નામ ગુંજતા મારૂ રોમ રોમ પુલકિત થઈ ઉઠયું હતું. તે સમયની અવિસ્મરણીય ક્ષણ હું વર્ણવી શકુ તેમ નથી. મારી આ સફળતા બદલ હું મારા માતા-પિતા અને તમામ કોચને શ્રેય આપુ છું. તેઓના માર્ગદર્શન હેઠળ હું આ સિધ્ધિ મેળવી શકયો છું.