ગુજરાત એલર્ટ । વલસાડ
નવસર્જન કેળવણી મંડળ સંચાલિત પી.કે.ડી. વિધાલય અટારમાં તા. 16/01/2024 ના દિને બાળકોની આંતરિક શક્તિ ખીલવવા માટે વાર્ષિક મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુણવંતભાઈ દોશી (મુંબઈ) ઉપસ્થિત રહ્યા હતા. શાંતિ મંદિર, મગોદના 108 મહામંડલેશ્વર સ્વામી શ્રી નિત્યાનંદજી અને શ્રી ભીડભંજન ચેરીટેબલ ટ્રસ્ટ વલસાડના શિવજી મહારાજના પાવન સાનિધ્યમાં કાર્યક્રમનું આયોજન થયું હતું. અતિથિ વિશેષ તરીકે રૂરલ P.I. એસ.એસ. પવાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય જીતેન્દ્ર ટંડેલ અને નવસર્જન કેળવણી મંડળના પ્રમુખ ભીખુભાઈ દેસાઈ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. સ્વામી શ્રી નિત્યાનંદજી અને શિવજી મહારાજના આશીર્વચનનો લાભ મળ્યો હતો. શાળાના પટંગણમાં ઉભા કરવામાં આવેલા સુંદર સ્ટેજ ઉપર વિધાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ વિવિધ ૧૯ જેટલી કૃતિઓ પર ઉપસ્થિત સર્વ મહેમાનો, વાલીઓ તથા વિધાર્થીઓ ઝૂમી ઊઠ્યા હતા. સમગ્ર કૃતિમાં કુલ 247 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ નિહાળવા માટે વિશાળ જનમેદની ઉપસ્થિત થઈ હતી. મંડળના મંત્રી ડૉ. દીપકભાઈ દેસાઈ તરફથી સર્વશ્રેષ્ઠ 3 કૃતિઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ભોજનની વ્યવસ્થા કમિટી સભ્ય અમિતભાઈ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં મંડળના ઉપપ્રમુખ બળવંતભાઈ તમામ કમિટી સભ્યો તથા આજુબાજુના ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વલસાડ જિલ્લાના પ્રખ્યાત ઓરકેસ્ટ્રા સુભાષ એન્ડ પાર્ટીના સથવારે સમગ્ર સંગીત રસિકો ઝુમી ઉઠ્યા હતા. કાર્યક્રમને અંતે આભાર વિધિ શાળાના શિક્ષક ધીરુભાઈ દ્વારા કરવામાં આવી હતી. મંડળના પ્રમુખ ભીખુભાઈ દ્વારા સમગ્ર કૃતિ તૈયાર કરાવનાર શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક નિનાદ રાઠોડ તથા રૂપાબેન પઢિયાર દ્વારા કરવામાં આવ્યું હતું.