વલસાડ
રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજયની ૫૩,૦૨૯ આંગણવાડીઓના નાના ભૂલકાઓને રૂા. ૩૬ કરોડના ખર્ચે ૨૮ લાખ જોડી ગણવેશ વિતરણ યોજનાનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો.
મુખ્યમંત્રીશ્રી દ્વારા યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત રાજયના આદિજાતિ મંત્રીશ્રી રમણલાલ પાટકરના તેમજ મહાનુભાવોના હસ્તે વલસાડ જિલ્લાની કુલ ૧૮૯૯ આંગણવાડીના કુલ ૪૩૫૪૬ ભૂલકાઓ પૈકી ટોકનરૂપે ૧૦ જેટલા ભૂલકાઓને બે જોડી ગણવેશનું વિતરણ કરાયું હતું.
આ અવસરે મંત્રીશ્રીએ રાજય સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા બાળકો અને મહિલાઓ માટે અમલીકરણ વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. જેમાં રાજયના ૩ થી ૬ વર્ષના ભૂલકાઓને પોષણક્ષમ આહાર માટે દર અઠવાડિયે ૧ કિલો ગ્રામ સુખડી આપવામાં આવે છે. તેમજ ધાત્રી માતાઓ અને સગર્ભા માતાઓ માટે ટેક હોમ રાશનની યોજના અમલમાં છે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત વાલીઓને તેમના સંતાનોને સરકારશ્રીઓની યોજનાઓનો લાભ લઇ શિક્ષિત કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્કાબેન શાહ, જિલ્લા કલેકટરશ્રી આર. આર. રાવલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરૂવાની, નિવાસી અધિક કલેકટરશ્રી એન. એ. રાજપૂત, આઇ. સી. ડી. એસ. ના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જયોત્સનાબેન પટેલ અને આંગણવાડી વર્કરો હાજર રહયા હતા.