ગુજરાત એલર્ટ | વલસાડ
હાલનો સમય વિજ્ઞાન અને ટેકનોલોજીનો છે. ત્યારે કૃષિ ક્ષેત્રમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડી આધુનિક સાધનોનો ઉપયોગ કરી મબલખ આવક મેળવતા થયા છે પરંતુ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના આડેધડ ઉપયોગથી મનુષ્યના સ્વાસ્થ્ય સાથે તો ચેડા થઈ રહ્યા છે સાથે સાથે જમીનની ફળદ્રુપતા પણ ઘટી રહી છે, આવા સમયે ઈનોવેટીવ પધ્ધતિ દ્વારા કેવી રીતે પ્રાકૃતિક ખેતી કરી શકાય તે માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ખેડૂતોને પ્રત્યક્ષ અને પરોક્ષ માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. તેમના નેતૃત્વ હેઠળ વલસાડ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી જન આંદોલનના રૂપમાં પરિણમી છે. હવે તો શાળાના બાળકોને પણ નાનપણથી જ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવી રહ્યુ છે. જે અંતર્ગત વલસાડ જિલ્લાના પારડી તાલુકાના સામરપાડા ગામની મુખ્ય પ્રાથમિક શાળાના બે બાળ વૈજ્ઞાનિકો દ્વારા ઈનોવેટીવ પ્રાકૃતિક ખેતીનો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે.
ઝેરયુક્ત રાસાયણિક ખેતીથી મનુષ્ય હાનિકારક ખાદ્ય પદાર્થો આરોગી નીત નવા રોગ નોતરી રહ્યો છે. જો આ જ પરિસ્થિતિ રહેશે તો માનવ જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ વિવિધ સમસ્યાઓના નિવારણ માટે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે. નવીન પધ્ધતિથી કરાયેલી પ્રાકૃતિક ખેતીથી આરોગ્યપ્રદ શાકભાજી અને અનાજ મળી રહેશે અને જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરના વધુ ઉપયોગથી પણ બચી શકાશે. પારડીના સામરપાડા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં ધો. ૭ની વિદ્યાર્થિની નીતિ રમણભાઈ આહિર અને ધો. ૮ ની વિદ્યાર્થિની આયશા ઈલ્યાસ શેખે ઈનોવેટીવ અને કુદરતી ખેતી પ્રોજેક્ટ રજૂ કર્યો છે. જે અંગે બંને વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે, ગાયનું છાણ, માટી, અળસિયા, રેતી, કપચી, પથ્થર અને ઈંટના ટુકડાનો ઉપયોગ કરી વર્મીવોશ બનાવવામાં આવે છે. જે બનાવવાની રીત અંગે તેઓ જણાવે છે કે, સૌ પ્રથમ એક પીપ લો, હવે તેમાં એક કાણું પાડો અને તેમાં એક નળ ફીટ કરો જેથી પીપમાંથી નીકળતુ પ્રવાહી નીચે મુકેલા પાત્રમાં એકઠુ કરી શકાય, હવે આ પીપમાં સૌથી નીચે ઈંટના ટુકડા નાંખો તેના ઉપર મોટી રેતી, કપચી નાંખો તેના ઉપર પરાળ નાંખી ઉપર માટીનો થર બનાવો. આ માટીમાં થોડા દિવસ બહાર રાખેલુ છાણ નાંખો, હવે આ રચનામાં અળસિયા નાંખો અને ઉપરથી પીપને ઢાંકી દો. હવે આ પીપ પર ઉપરથી પાણી નાખો જેથી અળસિયાને ગરમી ન લાગે અને આ પાણી દ્વારા અળસિયાના શરીર પરનું પ્રવાહી અને મળમૂત્ર ધોવાઈ જાય અને જુદા જુદા સ્તરમાંથી પસાર થઈને નીચે ભેગુ થાય છે. હવે નળ ચાલુ કરી આ પ્રવાહી નીચે એક પાત્રમાં ભેગુ કરવામાં આવે છે જેને ‘‘વર્મીવોશ’’ કહેવામાં આવે છે.
આ વર્મીવોશના ઉપયોગની પધ્ધતિ સમજાવતા બાળ વૈજ્ઞાનિક નીતિ આહિર અને આયશા શેખ વધુમાં જણાવે છે કે, એક લિટર વર્મીવોશમાં ૧૫ લિટર પાણી મિશ્રિત કરવુ તેમાં ૫ થી ૮ લિટર ગૌમૂત્ર નાંખો, હવે આ મિશ્રણ પંપમાં ભરીને પાક પર છાંટવામાં આવે તો પાકને નુકસાન કરતા જીવ જંતુ અને કીટક લાગશે નહી અને પાકનું રક્ષણ થશે. ખેડૂતોએ હાનિકારક જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડશે નહીં. આ જ મિશ્રણને જો છોડના મૂળમાં આપવામાં આવે તો છોડને જરૂરી પોષક તત્વો મળશે જેનાથી છોડના મૂળ મજબૂત બનશે. એક લિટર વર્મીવોશથી ૨૫ લિટર પ્રવાહી બને છે. દર ૧૫- ૧૫ દિવસે આ ટ્રીટમેન્ટ આપવામાં આવે તો જંતુનાશક દવાનો છંટકાવ કરવાની જરૂર રહેતી નથી.
વર્મીવોશના ફાયદા અંગે બંને બાળ વૈજ્ઞાનિક જણાવે છે કે, વર્મીવોશ પ્રવાહીમાં ફૂગનાશક અને કીટક નાશક ગુણધર્મ હોય છે. જેથી તેનો દવા તરીકે છંટકાવ કરી શકાય છે. જે બનાવવા માટે પ્લાસ્ટીકની બોટલ, વેલ્વેટ પેપર, રંગીન કાગળ, એમએસ પેપર અને નળની જરૂર પડે છે. જેનો અંદાજિત ખર્ચ માત્ર ૮૦ રૂપિયા થાય છે. કિંમતમાં સસ્તુ અને બિનઝેરી હોવાથી વપરાશમાં સરળ છે. તેના ઉપયોગને લીધે ઉત્પાદનમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો થાય છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વપરાશ કરવો પડતો નથી જેથી ખર્ચ પણ બચે છે. મનુષ્યના આરોગ્યમાં લાભ થવાથી રોગોનું પ્રમાણ પણ ઘટશે. આમ, બાળકોને પણ શાળા કક્ષાથી પ્રાકૃતિક ખેતીના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે જેથી આવનારી પેઢી ઝેરયુક્ત રાસાયણિક ખેતી છોડી ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વળી શકે.